ભરૂચ:
ભરૂચ નગરપાલિકાએ બાકી વેરાની વસૂલાતને લઈને હવે કડક કાર્યવાહી શરૂ કરી છે. શહેરમાં પ્રાથમિક સુવિધાઓ જાળવવા તેમજ સ્ટ્રીટ લાઈટ, વાહનોના ડીઝલ, આઉટસોર્સિંગ અને કર્મચારીઓના પેન્શન સહિતના રોજિંદા ખર્ચ માટે પૂરતું ભંડોળ ઉપલબ્ધ રહે તે હેતુથી નગરપાલિકા તંત્ર દ્વારા બાકીદારોને તાત્કાલિક વેરો ભરપાઈ કરવા તાકીદ કરવામાં આવી છે.
નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે, પાલિકાની સ્વભંડોળની આવકમાં મિલકત વેરા સહિતની વેરાની આવકનો મોટો હિસ્સો છે. ચાલુ વર્ષના વેરાની આશરે 90 ટકા વસૂલાત થઈ ચૂકી છે, પરંતુ અગાઉના વર્ષોની મોટી બાકી રકમના કારણે પાલિકાના ભંડોળ પર સીધી અસર થઈ રહી છે.
પાલિકાની ટેક્સ શાખા દ્વારા લાંબા સમયથી વેરો ભરવામાં સક્ષમ હોવા છતાં બાકી રાખનારા મોટા બાકીદારોની યાદી તૈયાર કરવામાં આવી છે. આવા બાકીદારો સામે વોરંટ બજવણીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જ્યારે રહેણાક વિસ્તારોમાં લાંબા સમયથી વેરો નહીં ભરનારા મિલકતધારકો સામે નળ કનેક્શન કાપવા સહિતની દંડાત્મક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.
નગરપાલિકાની હદમાં આવેલી દુકાનો, હોટલો, પ્રાઇવેટ બેંકો, શાળાઓ, ક્લાસીસ, કેબલ ઓપરેટરો, વીમા એજન્ટો, આર્કિટેક્ટ, એન્જિનિયર, એકાઉન્ટન્ટ, સોલિસિટર, નોટરી તેમજ આંગડિયા પેઢી સહિતના તમામ ધંધાદારીઓએ વર્ષ 2026નો બાકી વ્યવસાય વેરો 30 સપ્ટેમ્બર, 2026 સુધીમાં નગરપાલિકા કચેરી ખાતે ભરપાઈ કરવાનો રહેશે.
નિયત સમયમર્યાદામાં વ્યવસાય વેરો નહીં ભરનાર પાસેથી ગુજરાત રાજ્ય વ્યવસાય, વેપાર, ધંધા અને રોજગાર વેરા અધિનિયમ-1976ની કલમ-9 મુજબ વાર્ષિક 18 ટકા એટલે કે માસિક 1.5 ટકા લેખે વ્યાજ/પેનલ્ટી વસૂલવામાં આવશે. ઉપરાંત, બાકીદારો સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.
નગરપાલિકા તંત્રએ શહેરના વિકાસ અને નાગરિકોને મળતી પ્રાથમિક સુવિધાઓ સતત જળવાઈ રહે તે માટે શહેરજનો તેમજ વેપારીઓને બાકી વેરો સમયસર ભરપાઈ કરી પાલિકાને સહયોગ આપવા અપીલ કરી છે.
