ઝઘડિયા તાલુકાના રાજપારડીથી ઉમલ્લા થઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા માર્ગ પર ચાલી રહેલું પેચવર્કનું કામ પૂર્ણ થાય તે પહેલાં જ વાહનચાલકો માટે મુશ્કેલીનું કારણ બન્યું છે. રસ્તા પર પાથરવામાં આવેલી કપચી અને મોટા પથ્થરો ઠેર-ઠેર ફેલાયેલા રહેતા વાહનચાલકો પરેશાન બન્યા છે. વાહનો પસાર થતાં ધૂળની ડમરીઓ ઊડતી હોવાથી પાછળથી આવતા વાહનચાલકોને પણ ભારે મુશ્કેલી પડી રહી છે.
રસ્તા પરના ખાડા પૂરવા માટે મોટા પથ્થરો અને કપચીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ પેચવર્ક બાદ પથ્થરોને યોગ્ય રીતે બેસાડવામાં આવ્યા છે કે નહીં તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. અનેક સ્થળોએ પથ્થરો રસ્તા પર છૂટા પડેલા જોવા મળતા વાહનોના ટાયર નીચે આવતા પથ્થરો ઉછળવાની સ્થિતિ સર્જાઈ રહી છે.
બાઈકચાલકો માટે અકસ્માતનું જોખમ
ખાસ કરીને ટુ-વ્હીલરચાલકો માટે રસ્તાની સ્થિતિ વધુ જોખમી બની છે. છૂટા પથ્થરો પરથી બાઈક પસાર થતી વખતે સંતુલન ગુમાવવાનો ભય રહે છે. બીજી તરફ, વાહનોની અવરજવર દરમિયાન ઉડતી ધૂળને કારણે દૃશ્યતા ઘટી જતાં પાછળથી આવતા વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
પેચવર્ક બાદ રસ્તા પર યોગ્ય રીતે રોલર ફેરવવામાં આવ્યો છે કે નહીં અને પાથરવામાં આવેલી કપચી તથા પથ્થરો બરાબર બેસાડવામાં આવ્યા છે કે નહીં તે અંગે સ્થાનિકો દ્વારા કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
મોટી દુર્ઘટના પહેલાં તંત્ર જાગે તેવી માંગ
સ્થાનિકો અને વાહનચાલકોએ માંગ કરી છે કે પેચવર્કનું કામ પૂર્ણ કરતાં પહેલાં રસ્તા પર યોગ્ય રીતે રોલર ચલાવી પથ્થરોને બેસાડવામાં આવે. સાથે જ રસ્તા પર ઉડતી ધૂળની સમસ્યાના નિવારણ માટે પણ જરૂરી પગલાં લેવામાં આવે.
રાજપારડી-ઉમલ્લા માર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતાં વાહનો માટે મહત્વનો માર્ગ હોવાથી અહીં સતત વાહનવ્યવહાર રહે છે. ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક ધ્યાન આપી રસ્તા પર ફેલાયેલા પથ્થરો અને ધૂળની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
