ભરૂચ :
ભરૂચ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સંચાલિત દૂધધારા ડેરીની 67મી વાર્ષિક સાધારણ સભા ડેરીના કમ્પાઉન્ડમાં ચેરમેન ઘનશ્યામ પટેલના અધ્યક્ષસ્થાને તથા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. સભામાં સભાસદો, ડિરેક્ટરો અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સભામાં પશુપાલકોના હિતમાં દૂધના ખરીદ ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો હતો. ભેંસના દૂધના પ્રતિ કિલો ફેટનો ભાવ રૂ.900, જ્યારે ગાયના દૂધના પ્રતિ કિલો ફેટનો ભાવ રૂ.885 કરવામાં આવ્યો હતો. ભાવ વધારાની જાહેરાતથી પશુપાલકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. સાથે સભાસદોને બોનસની પણ જાહેરાત કરવામાં આવી હતી.
દરમિયાન દૂધધારા ડેરી, નર્મદા સુગર ફેક્ટરી અને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન વચ્ચે કરાર કરવાની જાહેરાત કરવામાં આવી હતી. નર્મદા સુગર ફેક્ટરીની ગુણવત્તાયુક્ત ખાંડનું 1 અને 5 કિલોના પેકિંગમાં ‘ભારત સુગર’ બ્રાન્ડ હેઠળ વેચાણ કરવામાં આવશે.
સભામાં મુંબઈ સ્થિત દૂધધારા ડેરીના પ્લાન્ટમાં દહીં અને પનીરનું ઉત્પાદન વધારવા પ્લાન્ટ વિસ્તરણની દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી હતી. ઉપરાંત ડેરીના ડિરેક્ટર પ્રકાશ દેસાઈની આગેવાનીમાં એક મહિના સુધી રક્તદાન કેમ્પ યોજવાની જાહેરાત કરાઈ હતી.
