ભરૂચ :
ભરૂચ શહેર-જિલ્લામાં શુક્રવારે ગણેશોત્સવના સમાપન સાથે શ્રીજીની ધામધૂમથી વિદાય આપવામાં આવી હતી. શહેરમાં નાની પ્રતિમાઓનું કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું, જ્યારે મોટી પ્રતિમાઓને વિસર્જન માટે ભાડભૂત ખાતે લઈ જવામાં આવી હતી. જોકે, વિસર્જન યાત્રા મોડી નીકળતાં ભાડભૂત પહોંચવામાં સમય લાગ્યો હતો. દરમિયાન નર્મદા નદીમાં રાત્રીના સમયે ઓટ આવી જતાં ૫૦થી વધુ મોટી પ્રતિમાઓનું વિસર્જન અટકાવી દેવામાં આવ્યું હતું.
શુક્રવારે ભરૂચ શહેરમાં જે.બી. મોદી પાર્ક, મક્તમપુર અને ઝાડેશ્વર ગાયત્રી મંદિર પાસે બનાવાયેલા કૃત્રિમ કુંડમાં નાની શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. જેમાં જે.બી. મોદી પાર્ક ખાતે ૯૩૮, મક્તમપુર ખાતે ૨૨૫ અને ગાયત્રી મંદિરના કૃત્રિમ કુંડમાં ૫૩૯ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
બીજી તરફ શહેરના વિવિધ મોટા ગણેશ મંડળોની પ્રતિમાઓની વિસર્જન યાત્રા સાંજના સમયે નીકળી હતી. ડીજેના તાલે નીકળેલી વિસર્જન યાત્રાઓ ભાડભૂત પહોંચે ત્યાં સુધીમાં નર્મદા નદીમાં ઓટ આવી ગઈ હતી. પરિણામે નદીમાં પૂરતું પાણી ન રહેતાં મોટી પ્રતિમાઓનું વિસર્જન શક્ય બન્યું નહોતું. આથી ૫૦થી વધુ શ્રીજીની પ્રતિમાઓને ભાડભૂત ખાતે રોકી રાખવામાં આવી હતી.
શનિવારે બપોર બાદ નર્મદા નદીમાં ભરતીનું પાણી આવતાં વિસર્જન માટે અનુકૂળ સ્થિતિ સર્જાઈ હતી. પાણીની સપાટી વધતાં જ ભાડભૂત ખાતે બાકી રહેલી શ્રીજીની પ્રતિમાઓના વિસર્જનનો બીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો હતો. આ સાથે શુક્રવારે અધૂરું રહેલું શ્રીજી વિસર્જન શનિવારે પૂર્ણ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
