ભરૂચ :
ભરૂચ તાલુકાના ઓસારા નજીક આવેલા હલદરવા ગામનો એક સપ્તાહથી ગુમ યુવકનો મૃતદેહ શુક્લતીર્થ નજીક કડોદ ગામે નર્મદા નદીના કિનારેથી મળી આવતાં પંથકમાં ચકચાર મચી ગઈ છે. પાણીમાં ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતાં યુવકના મોતને લઈને અનેક તર્કવિતર્ક શરૂ થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, હલદરવા ગામનો ૩૫ વર્ષીય ગુલશન વસાવા ગત બુધવારે કોઈને જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગયો હતો. ત્યારબાદ તે ઘરે પરત ન ફરતાં પરિવારજનો દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. છેલ્લા એક અઠવાડિયાથી પરિવારજનો યુવકની ભાળ મેળવવા પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો.
દરમિયાન શુક્લતીર્થ નજીક આવેલા કડોદ ગામના નર્મદા નદી કિનારે પાણીમાં ડિકમ્પોઝ હાલતમાં એક મૃતદેહ જોવા મળ્યો હતો. સ્થાનિક ગ્રામજનોએ આ અંગે તાત્કાલિક શુક્લતીર્થ પોલીસ ચોકીને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે ગુમ થયેલા ગુલશન વસાવાના પરિવારજનોનો સંપર્ક સાધ્યો હતો.
ત્યારબાદ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરવામાં આવતાં તેઓ પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. ટીમે ભારે જહેમત બાદ મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવકનું મોત કયા સંજોગોમાં થયું અને તેનું ચોક્કસ કારણ શું છે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. એક સપ્તાહથી ગુમ યુવકનો મૃતદેહ મળી આવતાં પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
