Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ૭૭ નિવૃત્ત શિક્ષકોનો સન્માન સાથે વિદાય સમારોહ યોજાયો : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા નિવૃત્ત શિક્ષક ભાઈ-બહેનોનું શાલ, સન્માનપત્ર અને સ્મૃતિચિહ્ન આપી સન્માન કરાયું; જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેએ શિક્ષકોના યોગદાનને બિરદાવ્યું

Share

 

ભરૂચ :

Advertisement

શિક્ષક માત્ર શિક્ષણ આપવાનું કાર્ય જ નથી કરતા, પરંતુ વિદ્યાર્થીઓના જીવનનું ઘડતર કરી સમાજ અને રાષ્ટ્રના ભવિષ્યનું નિર્માણ કરવામાં પાયાની ભૂમિકા ભજવે છે. વર્ષો સુધી શિક્ષણક્ષેત્રે પોતાની સેવાઓ આપ્યા બાદ નિવૃત્ત થતા શિક્ષકોના સન્માનમાં ભરૂચ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા ભવ્ય વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ બી.આર.સી. ભવન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ ૭૭ નિવૃત્ત શિક્ષક ભાઈ-બહેનોનું સન્માન કરી ભાવભીની વિદાય આપવામાં આવી હતી.

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ યોજાયેલા આ સમારોહમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહે શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબા રાજ, આરોગ્ય સમિતિના ચેરમેન સહિત ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

જિલ્લાના અંકલેશ્વર, હાંસોટ, આમોદ, ઝઘડિયા, જંબુસર, નેત્રંગ અને વાલિયા સહિતના તાલુકાઓની વિવિધ શાળાઓમાં ફરજ બજાવતા ૬૫ શિક્ષકો વયનિવૃત્તિ અને સત્રાંત નિવૃત્તિના કારણે નિવૃત્ત થયા હતા, જ્યારે અન્ય ૧૨ શિક્ષકોએ સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારી હતી. આમ કુલ ૭૭ શિક્ષકોને શાલ ઓઢાડી, સન્માનપત્ર, સ્મૃતિચિહ્ન અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે મહાનુભાવોએ નિવૃત્ત શિક્ષકોને તેમના જીવનના નવા તબક્કા માટે શુભેચ્છાઓ પાઠવી સ્વસ્થ અને નિરોગી જીવનની કામના કરી હતી.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેએ પોતાના સંસ્મરણો વાગોળતાં જણાવ્યું હતું કે, તેમના પાયાના શૈક્ષણિક ઘડતરમાં એક શિક્ષકનું માર્ગદર્શન ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું છે. પોતે પણ સરકારી શાળામાં અભ્યાસ કરીને અહીં સુધી પહોંચ્યા હોવાનું જણાવી તેમણે શિક્ષકના જીવનમાં રહેલા સન્માનજનક સ્થાન અંગે વાત કરી હતી. આજે ભારત દેશ વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે તેની પાછળ શિક્ષકોનું મહત્વપૂર્ણ યોગદાન રહેલું હોવાનું જણાવી નિવૃત્ત થઈ રહેલા તમામ શિક્ષકોની વર્ષોની સેવાઓને બિરદાવી હતી.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન કર્મીશાબહેન પટેલ, શાસક પક્ષના નેતા મગનભાઈ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ, શૈક્ષિક સંઘના પ્રમુખ, જિલ્લા પંચાયતના સભ્યો, નિવૃત્ત શિક્ષકો અને તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

વર્ષો સુધી જ્ઞાનદાન અને વિદ્યાર્થીઓના ઘડતરમાં અમૂલ્ય યોગદાન આપનારા શિક્ષકોને સન્માનપૂર્વક વિદાય આપવાના આ કાર્યક્રમમાં લાગણીસભર માહોલ સર્જાયો હતો. શિક્ષકની નિવૃત્તિ થાય છે, પરંતુ તેમણે આપેલા સંસ્કાર, જ્ઞાન અને માર્ગદર્શનની અસર પેઢીઓ સુધી જીવંત રહે છે તેવો ભાવ કાર્યક્રમ દરમિયાન વ્યક્ત થયો હતો.


Share

Related posts

ગારિયાધારમાં લોકો માટે બનાવેલો જોગર્સ પાર્ક પણ જનતા સુવિધાથી વંચિત.

ProudOfGujarat

અમદાવાદ-ઇન્દોર હાઇવે પર લકઝરી બસમાથી દેશી પિસ્તોલ સાથે એક ઇસમ ઝડપાયો

ProudOfGujarat

મુખ્યમંત્રી વિજય રૂપાણી ૧લી મેએ આવશે અંક્લેશ્વરની મુલાકાતે…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!