ભરૂચ:
ભ્રષ્ટાચારમુક્ત વહીવટ અને પ્રામાણિક કાર્યસંસ્કૃતિના નિર્માણ માટે ભરૂચ જિલ્લા પોલીસે તકેદારી જાગૃતિ સપ્તાહ અંતર્ગત વિશેષ શપથગ્રહણ કાર્યક્રમ યોજી ભ્રષ્ટાચાર સામે જાગૃતિનો સંદેશ આપ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ ભ્રષ્ટાચારથી દૂર રહી સંપૂર્ણ નિષ્ઠા, ઈમાનદારી અને પારદર્શિતા સાથે પોતાની ફરજ બજાવવાના શપથ લીધા હતા.
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં એસપી અક્ષયરાજ મકવાણાએ અધિકારીઓ અને કર્મચારીઓને શપથ લેવડાવ્યા હતા. તેમણે સરકારી સેવામાં ફરજ બજાવતા દરેક કર્મચારી માટે પ્રામાણિકતા અને જવાબદારીનું વિશેષ મહત્વ હોવાનું જણાવી કાયદા અને નિયમોની મર્યાદામાં રહી નિષ્પક્ષ કામગીરી કરવા ભાર મૂક્યો હતો. પોલીસ વિભાગની કામગીરીમાં પારદર્શિતા જળવાય અને નાગરિકોને ન્યાય મળે તે માટે દરેક કર્મચારીએ પોતાની ફરજને સર્વોપરી રાખવી જોઈએ તેવી અપીલ પણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે તકેદારી જાગૃતિ સપ્તાહની આ વર્ષની થીમ ‘સત્યનિષ્ઠાથી સમૃદ્ધિ’ રાખવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત સરકારી વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર સામે જાગૃતિ લાવવા, નૈતિક મૂલ્યોને પ્રોત્સાહન આપવા અને જાહેર સેવાઓમાં પારદર્શિતા વધારવા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભ્રષ્ટાચાર માત્ર વહીવટી વ્યવસ્થાને જ નહીં, પરંતુ સામાન્ય નાગરિકોના વિશ્વાસને પણ અસર કરે છે ત્યારે દરેક સ્તરે પ્રામાણિકતા જાળવવી અનિવાર્ય બની છે.
ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા યોજાયેલા આ શપથગ્રહણ કાર્યક્રમમાં પોલીસ કર્મચારીઓએ માત્ર શપથ પૂરતા મર્યાદિત ન રહેતાં દૈનિક કામગીરીમાં પણ સત્યનિષ્ઠા, નિષ્પક્ષતા અને જવાબદારી જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. પોલીસ વિભાગની કાર્યપ્રણાલીમાં પારદર્શિતા વધે અને જનતા તથા પોલીસ વચ્ચેનો વિશ્વાસ વધુ મજબૂત બને તેવો સંદેશ આ કાર્યક્રમ થકી આપવામાં આવ્યો હતો.
