ભરૂચ :
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે બે અલગ-અલગ ગુનાઓનો ભેદ ઉકેલી ચાર આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે મોબાઇલ સ્નેચિંગમાં વપરાયેલી રૂ.50 હજારની બજાજ પલ્સર બાઇક તેમજ ભરૂચ કોર્ટ કેમ્પસમાંથી ચોરાયેલી રૂ.30 હજારની મોટરસાઇકલ મળી કુલ રૂ.80 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી. માંગરોલિયાની આગેવાની હેઠળ એ ડિવિઝન પોલીસની ટીમે બંને ગુનાઓની તપાસ હાથ ધરી હતી.
શ્રવણ ચોકડી નજીક મોબાઇલ સ્નેચિંગનો ભેદ ઉકેલાયો
પ્રથમ બનાવમાં ગત 25 ઓક્ટોબરના રોજ ભરૂચની શ્રવણ ચોકડી પાસે આવેલા ક્રોમા શો-રૂમ નજીક બાઇક પર આવેલા શખસે ફરિયાદીના હાથમાંથી મોબાઇલ ફોન આંચકી ફરાર થઈ ગયો હતો. આ અંગે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ તપાસ્યા હતા. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા યામીન અલ્તાફ પટેલને ઝડપી પાડ્યો હતો.
પોલીસે તેની પાસેથી ગુનામાં વપરાયેલી રૂ.50 હજારની બજાજ પલ્સર 220 મોટરસાઇકલ (નંબર GJ-05-SM-3042) કબજે કરી હતી. તપાસમાં યામીન સામે કોસંબા, જંબુસર અને માંડવી પોલીસ મથકોમાં ચોરી તથા લૂંટ સહિતના ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે.
કોર્ટ કેમ્પસમાંથી ચોરાયેલી બાઇક સાથે ત્રણ ઝડપાયા
બીજા બનાવમાં ગત 27 ઓક્ટોબરના રોજ ભરૂચ કોર્ટ કેમ્પસમાંથી હીરો-હોન્ડા CD-Dawn મોટરસાઇકલ (નંબર GJ-16-R-3517)ની ચોરી થઈ હતી. પોલીસે CCTV ફૂટેજ અને બાતમીદારોની મદદથી તપાસ આગળ ધપાવી હતી. દરમિયાન નંદેલાવ બ્રિજથી ગોદી રોડ તરફ વોચ ગોઠવી ચોરાયેલી મોટરસાઇકલ પર સવાર ત્રણ શખસોને ઝડપી પાડ્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં પંજાબના વતની વિશાલદીપસિંગ હરપાલસિંગ સિંઘ, દલજીતસિંગ હરદીપસિંગ સિંઘ અને અજયપાલ સુરેન્દ્રસિંગ સિંઘનો સમાવેશ થાય છે. ત્રણેય હાલ વાગરા તાલુકાની એલ એન્ડ ટી કોલોનીમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તેમની પાસેથી રૂ.30 હજારની ચોરાયેલી મોટરસાઇકલ કબજે કરી હતી.
વધુ તપાસમાં મુખ્ય આરોપી વિશાલદીપસિંગ સામે દહેજ અને ભરૂચ તાલુકા પોલીસ મથકમાં ચોરીના ત્રણ ગુના નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે.
આમ, ભરૂચ એ ડિવિઝન પોલીસે બે અલગ-અલગ ગુનાઓનો ભેદ ઉકેલી ચાર આરોપીઓને ઝડપી કુલ રૂ.80 હજારનો મુદ્દામાલ કબજે કરતાં પોલીસને સફળતા મળી છે.
