પાલેજ પોલીસે ગુનો નોંધી બન્નેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી
ભરૂચ.
પાલેજની ચંદ્રનગર સોસાયટીમાં રહેતાં અને વકીલાતનો વ્યવસાય કરતાં સલીમખાન નિઝામખાન પઠાણ સામાજિક આગેવાન તરીકે પણ કામ કરે છે. તેમના ગામમાં રહેતાં તેમના સાઢુભાઇ ઇમરાનખાન ઇબ્રાહિમખાન પઠાણ (રહે. એસ. કે. નગર, પાલેજ) તેમજ તેમના પરીચિત આદીલ ફારૂક ભૈયા (રહે. વલણ) તથા લુકમાન ઐયુબા નાથા (રહે. કાપોદરા, અંક્લેશ્વર)નાઓએ તેમને ફિનલેન્ડ જવાનું હોઇ કોઇ સારો એજન્ટ હોય તો સંપર્ક કરાવી આપવા કહ્યું હતું. દરમિયાનમાં તેઓ કરજણના હલદરવા ગામે એક સામાજિક પ્રસંગમાં ગયાં હતાં. ત્યાં તેમના મિત્ર યાકુબ અલી જમીનદાર (રહે. સાંસરોદ, મિયાગામ કરજણ) સાથે તેમની મુલાકાત થઇ હતી. તેમણે અગાઉ પાલેજ તેમજ આસપાસના લોકોને વિદેશ મોકલ્યાં હોઇ તેમણે યાકુબને તેમના સંબંધી અને પરીચિતોને ફિનલેન્ડ દેશમાં કામ-ધંધાર્થે જવા માંગતા હોવાથી કોઇ સારો એજન્ટ બતાવવા જણાવતાં તેણે મુંબઇના એક એજન્ટ અંગે જાણકારી આપી હતી. અને તેણે અનેક લોકોને વિદેશ મોકલ્યા હોવાનું જણાવ્યું હતું. ઐયુબે અનેક લોકોને વિદેશ મોકલ્યાં હોવાથી તેના પર તેમને વિશ્વાસ બેઠો હતો. દરમિયાનમાં બીજા દિવસે મુંબઇના અરમાન કુરેશી (રહે. પાયોનિયર એન્ટર પ્રાઇઝીસ, ઓશીવારા, મુંબઇ) નામના એજન્ટે તેમને ફોન ક્યો હતો. તેણે યાકુબની ઓળખ આપ્યાં બાદ તેમના પરીચિતોને ફિનલેન્ડમાં મોકલવાની તમામ પ્રક્રિયા કરી આપવાની બાંહેધરી આપી હતી. જે બાદ તબક્કાવાર ફિનલેન્ડમાં વર્ક પરમીટ, વિઝા સહિતની ફાઇલ તૈયાર કરવા સહિત મેડિકલ ટેસ્ટ, બાયમેટ્રીક સહિતના કામ અર્થે ટુકડે ટુકડે કુલ 4.66 લાખ રૂપિયા પડાવ્યાં હતાં. જોકે, બાદમાં તે પૈકીના 48 હજાર પરત આપ્યાં હતાં. જ્યારે બાકીના 4.18 લાખ ચુકવવામાં ગલ્લાતલ્લા કરતાં આખરે તેમણે પાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
