Proud of Gujarat
FeaturedGujaratINDIA

શિનોર તાલુકાના બાવળિયા ગામે વનરાજસિંહના ખેતરમાં પ્રાકૃતિક ખેતીથી શિયાળાની હરિયાળી જમાવટ.

Share

હાલમાં દાંત કકડાવતી અને હાડ ધ્રુજાવતી ઠંડી પડી રહી છે ત્યારે શિનોર તાલુકાના નાનકડા બાવળિયા ગામના અને પ્રાકૃતિક સાત્વિક ખેતીના ભેખધારી વનરાજસિંહ ચૌહાણના ખેતરની પ્રાકૃતિક શાકવાડીમાં સાત્વિક ઉત્પાદનોનો હૂંફાળો શિયાળો જામ્યો છે.આમ તો શિનોર તાલુકો નર્મદા માતાના ધાવણથી સિંચિત છે છતાંય તેઓ જળ બચાવતી ટપક સિંચાઇ થી ખેતી કરે છે.હાલમાં તેમનું ખેતર કુદરતી તત્વોને આધીન પકવેલા ફલાવર,કોબીજ,રતાળુ, ગાજર, મૂળા, દૂધી,મેથી, બીટ,સરગવો,ધાણા અને લીલી હળદર જેવા શાકભાજી અને મસાલા પાકો અને પપૈયા,જામફળ જેવા ફળો થી લીલુંછમ્મ છે. તેઓ ૫ એકરમાં આ ખેતી કરે છે.

શાકભાજી અને મસાલા પાકો ઉપરાંત તેઓ સુભાષ પાલેકર નેચરલ ફાર્મિંગની વિભાવનાઓને અનુસરીને ઘઉં, ચોખા,દેશી જુવાર અને બાજરીના ધાન્યો તથા તુવેર,ચણા અને મગ, એ ત્રણ જાતના કઠોળ અને રાઈ,મેથી અને હળદર જેવા મસાલા કુદરતી ખેતીથી પકવે છે. તેઓ કહે છે કે મારા આ સાત્વિક ખેતીના કૃષિ ઉત્પાદનોની સીધી માંગ છે અને વડોદરાના નિયમિત ગ્રાહકોને સીધાં જ પૂરા પાડવામાં આવે છે અને તેમની માંગ પ્રમાણે નવા પાકો,શાકભાજી ઉગાડવાનો હું પ્રયત્ન કરું છું. તેમણે ગીર ગાયની ગૌશાળા ઉછેરી છે જેમાં ૧૫૦ જેટલો ગૌવંશ પરિવાર પોષાઈ રહ્યો છે.હાલમાં દૂધ આપતી ૩૦ જેટલી ગૌમાતાઓ થી દૈનિક ૧૫૦ લીટર જેટલું દૂધ મળે છે જે પણ માંગ પ્રમાણે સીધું ગ્રાહકોને પહોંચાડવામાં આવે છે. વનરાજસિંહ આ પ્રાકૃતિક ખેતી માટે જિલ્લા અને રાજ્ય કક્ષાએ આદર્શ ખેડૂતના પુરસ્કારો મેળવી ચૂક્યા છે.તેમનું ખેતર કુદરતી ખેતીનું મોડેલ ફાર્મ ગણાય છે જ્યાં આ ખેતી અંગે જિજ્ઞાસા ધરાવતા ખેડૂતો તેને જાણવા અને સમજવા માટે આવે છે.

વનરાજસિંહ અને તેમના કુદરતી ખેતી સાથે જોડાયેલા મિત્રો ગુજરાતના રાજ્યપાલ શ્રીમાન આચાર્ય દેવવ્રતજી,જે આ ખેતીના જાતે પ્રયોગો કરવાની સાથે પ્રખર હિમાયતી અને પ્રચારક છે,તેમના પ્રત્યે ખૂબ ઊંડો આદર ધરાવે છે. રાજ્યપાલ એ તેમને રાજભવન બોલાવીને તેમના પ્રયોગો જાણ્યા છે અને પ્રોત્સાહક માર્ગદર્શન પણ આપ્યું છે.વનરાજસિંહે તાજેતરમાં સુશાસન સપ્તાહની ઉજવણી પ્રસંગે વડોદરા જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન આપ્યું હતું અને કૃષિ મહોત્સવોમાં પણ માર્ગદર્શન આપે છે. પોતાની પહેલથી અપનાવી છે આ સાત્વિક ખેતી.. તેઓ કહે છે કે વાચન અને અન્ય સ્ત્રોતો દ્વારા જાણકારી મેળવી તથા બેક્ટેરિયા લાવી સન ૨૦૦૮ થી સજીવ – ઓર્ગેનિક ખેતીના પ્રયોગો શરૂ કર્યા અને તેના થી આંશિક ખેતી પછી ૨૦૧૨ થી તો સંપૂર્ણ ખેતી પ્રાકૃતિક પદ્ધતિને અનુસરી અને પ્રકૃતિને આધીન કરું છું અને મને આ નવા પ્રયોગમાં નિરાશ થવાનો વખત આવ્યો નથી.

વનરાજસિંહ પ્રાકૃતિક ખેતી અને ગૌપાલનને એક સિક્કાની બે બાજુ ગણાવે છે.તેઓ કહે છે કે મારા ખેતરના કુદરતી પાકોમાં થી મારી ગાયોને આહાર મળે છે અને મારી ગાયોનું છાણ અને ગૌમૂત્ર મારી ખેતીને પુષ્ટિ આપે છે.તેઓ પ્રાકૃતિક ખેતી સાથે ગૌ પાલનની હિમાયત કરે છે.

Advertisement

આ ક્ષેત્રમાં ઓર્ગેનિક,સજીવ, જૈવિક અને પ્રાકૃતિક ખેતી જેવા શબ્દો પ્રચલિત છે.જો કે ઓર્ગેનિક/ જૈવિક ખેતીમાં બહાર થી લાવેલા ઇનપુટ્સ નો ઉપયોગ થાય છે જયારે પ્રાકૃતિક ખેતી ખેતરના શેઢા પાળે ઉપલબ્ધ વનસ્પતિઓ અને ગૌ દ્રવ્યો થી થાય છે.આ આત્મ નિર્ભર ખેતીને રાજ્ય સરકાર પ્રોત્સાહિત કરે છે.

તેમણે સુભાષ પાલેકર નેચરલ ફાર્મિંગ ના સિદ્ધાંતો પ્રમાણે આ કુદરતી ખેતીની તાલીમ મેળવી છે અને તેમની સાથે પરામર્શ પણ કર્યો છે.તેઓ કહે છે આ એવી ખેતી છે જેમાં કોઈ વસ્તુ બહારથી લાવવાની જરૂર પડતી નથી.ખેતરમાં અને તેની આસપાસ મળતાં પ્રાકૃતિક સંશાધનો અને ગૌ દ્રવ્યો થી આ ખેતી થાય છે.ખેતરના શેઢા પાળા પર ઉગતા લીમડા,ધતૂરો,આંકડો,સીતાફળ અને કરંજ જેવા વૃક્ષોના પર્ણોની કડવાટને ગૌમૂત્ર સાથે ભેળવીને બનતું પ્રવાહી જીવામૃત પાક રક્ષક અને પોષક જંતુનાશકોની ગરજ સારે છે.તો ગાયના છાણને જૈવિક કચરા સાથે ભેળવીને બનતું ધન જીવામૃત ઉત્તમ ખાતરની ગરજ સારે છે.રસાયણ મુક્ત ખેતી જમીનને પણ નવચેતન અને નવસાધ્ય કરે છે. તેઓ કહે છે કે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી અને ગૌવંશ ઉછેરને પ્રોત્સાહિત કરતી જે નીતિ બનાવી છે અને કૃષિ વિદ્યાલયના શિક્ષણમાં તેના સિદ્ધાંતોના સમાવેશની જે પહેલ કરી છે,તે આવકાર્ય છે.ખેડૂતો આ ખેતીને વિગતવાર ઊંડાણ થી સમજે અને તબક્કાવાર તેને અપનાવે એવી તેમની ભલામણ છે.

કુદરત સંપૂર્ણ છે.તેમાં કોઈ તત્વની ઉણપ નથી કે કોઈ તત્વનું અતિશય પ્રમાણ નથી.પ્રકૃતિની આ સમતુલા પ્રાકૃતિક ખેતીનો પ્રાણ છે અને એટલે આ ખેતીના ઉત્પાદનો સત્વશીલ અને સંપોષક,આરોગ્ય રક્ષક અને વર્ધક છે.


Share

Related posts

શ્રી ગણેશ સુગર- વટારીયાના પ્રગતિશીલ ખેડૂત અને પ્રતિ એકર 100 ટન શેરડી ઉત્પાદન પ્રોજેક્ટના ઇન્ચાર્જ પ્રધુમનસિંહ પહાડસિંહ અટોદરિયા,ગામ: તુણા, તા.વાલિયાને DSTA-Pune દ્વારા લાઈફ ટાઈમ એચિવમેંટ એવોર્ડથી સન્માનીત કરાયા.

ProudOfGujarat

રાજપીપળા નગરપાલિકા વોર્ડ નંબર 3 માં અપક્ષ તરીકે ઇલમુદીન (ઉર્ફે ઇલું બક્ષી) એ ઉમેદવારી કરી.

ProudOfGujarat

અંકલેશ્વરનાં જીતાલી ગામમાં વટસાવિત્રીનાં તહેવારની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!