ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે છેલ્લા કેટલાય દિવસોથી ગાજતો ચૂંટણી પ્રચાર આજે સાંજે વિધિવત રીતે શાંત થઈ જશે. ચૂંટણી પંચના નિયમો મુજબ મતદાનના 48 કલાક પહેલા જાહેર પ્રચાર પર પ્રતિબંધ લાગુ થતા હવે રાજકીય પક્ષોના લાઉડસ્પીકર, રેલીઓ અને સભાઓનો ઘોંઘાટ સંપૂર્ણપણે બંધ થશે. આ સાથે જ ચૂંટણી પ્રક્રિયા હવે નિયમો અને સંયમના માળખામાં પ્રવેશ કરશે.
પ્રચાર પર બ્રેક લાગતા રાજકીય ચહલપહલ થંભશે નહીં, પરંતુ હવે અંદરખાને વ્યૂહરચનાઓ વધુ સક્રિય બનશે. ઉમેદવારો અને પક્ષો હવે મતદારો સાથે સીધો સંપર્ક સાધવા માટે ખાટલા અને ઓટલા બેઠકો તરફ વળશે. આ બેઠકઓમાં અંતિમ ઘડીએ વધુમાં વધુ મતદાન કેવી રીતે થાય અને વિરોધી વિસ્તારોમાં પોતાની પકડ કેવી રીતે મજબૂત બને તેની યોજના ઘડાશે. ખાસ કરીને ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વ્યક્તિગત સંપર્ક અભિયાન હવે કેન્દ્રસ્થાને રહેશે.
આ તરફ વહીવટી તંત્ર પણ સંપૂર્ણ રીતે એક્શન મોડમાં આવી ગયું છે. મતદાન પ્રક્રિયા નિર્વિઘ્ન અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને પોલીસ તંત્ર દ્વારા સંવેદનશીલ વિસ્તારોની સમીક્ષા કરીને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી છે. મતદાન મથકો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જ્યારે ઈવીએમ મશીનોને સુરક્ષિત રીતે સ્ટ્રોંગ રૂમમાંથી મતદાન મથકો સુધી પહોંચાડવાની કામગીરી શરૂ થઈ રહી છે. ચૂંટણી ફરજ પરના કર્મચારીઓને જરૂરી તાલીમ અને સામગ્રી પણ ફાળવી દેવામાં આવી છે. આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે ફ્લાઈંગ સ્ક્વોડ અને સર્વેલન્સ ટીમો સતત મોનિટરિંગ કરી રહી છે.
હવે સૌની નજર 26 તારીખે યોજાનારા મતદાન પર છે, જ્યાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય કરશે. આ વખતે ઉનાળાની આકરી ગરમી વચ્ચે મતદાન યોજાવાનું હોવાથી વધુમાં વધુ મતદાન થાય તે માટે તંત્ર અને રાજકીય પક્ષો બંને સક્રિય પ્રયાસો કરી રહ્યા છે.
લોકશાહીના આ મહાપર્વમાં દરેક મતદાર ઉત્સાહપૂર્વક ભાગ લે અને પોતાના મતની શક્તિથી લોકશાહીને વધુ મજબૂત બનાવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
