ભરૂચ:
શેરબજારમાં રોકાણ કરીને ટૂંકા ગાળામાં કરોડો રૂપિયાનો નફો કમાવવાની લાલચ ભરૂચના એક આસિસ્ટન્ટ મેનેજરને ભારે પડી છે. સોશિયલ મીડિયા પર શેરબજારના રોકાણ અંગેના ગ્રુપમાં જોડાયા બાદ અજાણ્યા શખ્સોએ તેમને વિવિધ શેરમાં રોકાણની ટીપ આપી વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ બનાવટી ટ્રેડિંગ આઈડી બનાવી તેમની પાસેથી અલગ-અલગ બેન્ક ખાતામાં કુલ ₹65.20 લાખ ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે.
ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલા આર.કે. હેબીટેટમાં રહેતા રાઘવેન્દ્રસિંઘ છત્રપાલસિંઘ ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી બ્રિટાનિયા કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે. ફરિયાદ મુજબ તેઓ છેલ્લા ૧૦થી ૧૨ વર્ષથી શેરબજારમાં રોકાણ કરતા હતા. દરમિયાન તેઓ સોશિયલ મીડિયા પર શેરબજારને લગતા એક ગ્રુપમાં જોડાયા હતા.
આ ગ્રુપમાં અજાણ્યા શખ્સોએ વિવિધ શેર ખરીદવાથી સારો નફો થવાની લાલચ આપી હતી. આ દરમિયાન લક્ષ્મી ગોપાલસ્વામી નામની મહિલાએ રાઘવેન્દ્રસિંઘનો સંપર્ક કરી રોકાણ અંગે વાતચીત કરી હતી. ત્યારબાદ તેમને એક લિંક મોકલી બનાવટી ટ્રેડિંગ આઈડી તૈયાર કરવામાં આવી હતી.
સાયબર ઠગોએ વિશ્વાસમાં લઈને ૨૪ માર્ચ ૨૦૨૫થી ૬ મે ૨૦૨૫ દરમિયાન અલગ-અલગ બેન્ક ખાતામાં ટુકડે-ટુકડે મોટી રકમ ટ્રાન્સફર કરાવી હતી. એપ્લિકેશનમાં એપ્રિલના અંત સુધીમાં તેમનો નફો વધીને ₹62.73 કરોડથી વધુ થયો હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.
જોકે, રાઘવેન્દ્રસિંઘે પોતાની રકમ અને બતાવેલો નફો ઉપાડવાનો પ્રયાસ કરતાં ગઠિયાઓએ ટેક્સ અને પ્રોસેસિંગ ફીના નામે વધુ રકમની માંગણી કરી હતી. રકમ ચૂકવ્યા બાદ પણ કરોડો રૂપિયાનો નફો રિલીઝ કરવામાં આવ્યો નહોતો. આખરે છેતરપિંડીનો ભોગ બન્યાનું જણાતા તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો.
બનાવ અંગે ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે ગુનો નોંધી સાયબર ઠગોના નેટવર્ક સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે.
