ભરૂચ:
ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી)ની ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી ભરૂચ રેલવે સ્ટેશનથી વિદેશી દારૂનો જથ્થો લઈ મોપેડ પર જઈ રહેલા એક ખેપિયાને ઝડપી પાડી તેની પાસેથી અંદાજે ₹90 હજારનો વિદેશી દારૂ તેમજ મોપેડ સહિત કુલ ₹1.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં દારૂ મોકલનાર અને મંગાવનાર એમ કુલ ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
એલસીબીને માહિતી મળી હતી કે કસક ગરનાળા તરફથી બરાનપુરા તરફ એક જ્યુપિટર મોપેડ પર વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. બાતમીના આધારે પોલીસે રોડ પર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની જ્યુપિટર આવતા પોલીસે તેને રોકી તપાસ હાથ ધરી હતી.
પકડાયેલા શખ્સે પોતાનું નામ અક્ષય ઉર્ફે અક્કી દિનેશ વસાવા (રહે. બરાનપુરા, ખત્રીવાડ) હોવાનું જણાવ્યું હતું. તેની તલાશી લેતાં મોપેડ પર રાખેલા ત્રણ થેલામાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 204 બોટલો, જેની કિંમત આશરે ₹90 હજાર થાય છે, મળી આવી હતી.
પોલીસે દારૂના જથ્થા સાથે મોપેડ સહિત કુલ ₹1.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પૂછપરછ દરમિયાન અક્ષય વસાવાએ જણાવ્યું કે જાવેદ શેખ નામના વ્યક્તિએ તેને ભરૂચ રેલવે સ્ટેશન ખાતે દારૂનો જથ્થો આપ્યો હતો, જે તે બરાનપુરા ખત્રીવાડના ધર્મેશ મનહર ઠાકોરને પહોંચાડવા જઈ રહ્યો હતો.
આ મામલે એલસીબીએ અક્ષય વસાવા, જાવેદ શેખ અને ધર્મેશ મનહર ઠાકોર વિરુદ્ધ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
