ભરૂચ:
ભરૂચના ઔદ્યોગિક વિસ્તાર GIDC ફેઝ-૧ થી ભોલાવ તરફ જતાં માર્ગ પર ગત રાત્રે એક દીપડો દેખાયો હોવાની ઘટના સામે આવી છે. રહેણાંક અને ઔદ્યોગિક ક્ષેત્રની નજીક દીપડાની હલચલ જોવા મળતાં જ સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે ભય અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે.
મળતી માહિતી મુજબ, ગત રાત્રે આશરે ૧૨:૧૨ કલાકે ભોલાવ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ દ્વારા ‘નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટ’ના હિરેનભાઈ શાહને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી. દીપડાની હાજરી અંગેની માહિતી મળતાં જ હિરેનભાઈ શાહ, વ્રજ શાહ, અને રિતેશ ગાયકવાડ સહિતની વન્યજીવ પ્રેમી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
ઘટના બાદ આજે સવારે આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ એકત્રિત કરવામાં આવ્યા હતા. CCTV ફૂટેજની બારીકાઈથી તપાસ કરતા તેમાં દીપડો સ્પષ્ટપણે રોડ પરથી પસાર થતો નજરે પડ્યો હતો. દીપડો હોવાની પુષ્ટિ થતાં જ ટીમે તાત્કાલિક સ્થાનિક વન વિભાગ (Forest Department)ના ઉચ્ચ અધિકારીઓને ઘટના અંગે માહિતગાર કર્યા હતા.
CCTVમાં દીપડાની હાજરી સાબિત થતાં જ વન વિભાગની ટુકડી ઘટનાસ્થળે પહોંચી હતી. દીપડાને સલામત રીતે પાંજરે પૂરવા માટે વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવા સહિતની જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ વન વિભાગ અને નેચર પ્રોટેક્શન ટ્રસ્ટ દ્વારા સ્થાનિક રહીશોને રાત્રિના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
