વાંકલ : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયાએ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ વિસ્તારમાં મુલાકાત દરમિયાન હનુમાન ચાલીસા કેન્દ્રોને લઈને મહત્વની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, દેશભરમાં કાર્યરત અંદાજે 30 હજાર હનુમાન ચાલીસા કેન્દ્રોને હવે માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓ પૂરતા સીમિત રાખવામાં નહીં આવે, પરંતુ તેમને સેવા અને સ્વાસ્થ્ય કેન્દ્રો તરીકે પણ વિકસાવવામાં આવશે. આગામી સમયમાં આવા કેન્દ્રોની સંખ્યા વધારીને લાખો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.
ડૉ. તોગડિયાના જણાવ્યા મુજબ, આ કેન્દ્રો મારફતે લોકોને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને માનસિક તણાવ જેવા રોગો અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે તેમજ નિઃશુલ્ક સ્વાસ્થ્ય તપાસના કાર્યક્રમો યોજાશે. જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને વિનામૂલ્યે સારવાર ઉપલબ્ધ કરાવવા માટે પણ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવાની યોજના છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની ‘હિન્દુ હેલ્પલાઇન’ દ્વારા રોજગારી સંબંધિત માર્ગદર્શન, જરૂરિયાતમંદોને અનાજ વિતરણ અને આપાતકાલીન પરિસ્થિતિમાં તાત્કાલિક સહાય જેવી સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ પ્રસંગે ઉપસ્થિત કાર્યકરોને સંબોધતા ડૉ. તોગડિયાએ જણાવ્યું હતું કે, ધાર્મિક કેન્દ્રોને સમાજસેવાના માધ્યમ તરીકે વધુ સક્રિય બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે જેથી સ્વાસ્થ્ય, સેવા અને સહાય જેવી પ્રવૃત્તિઓ વધુ વ્યાપક સ્તરે લોકો સુધી પહોંચી શકે. આ જાહેરાત બાદ સ્થાનિક કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
