સૌથી વધુ નેત્રંગમાં અઢી ઈંચ નોંધાયો, સૌથી ઓછો આમોદમાં ૯ મીમી વરસ્યો
ગુરૂવારે દિવસભર સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો,
આગામી દિવસોમાં ૪થી ૮ ઈંચ વરસાદની શક્યતાને
। ભરૂચ !
ભરૂચ શહેર જિલ્લામાં ભાદરવો ભરપૂર જેવા માહોલ વચ્ચે આગામી ૫ દિવસ ભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગુરૂવારે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં સાંજના ચાર વાગ્યા સુધીમાં સૌથી વધુ નેત્રંગમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે સૌથી ઓછો વરસાદ આમોદમાં ૯ મીમી જેટલો નોંધાયો હતો. આગામી પાંચ દિવસમાં ૪ ઈંચથી ૮ ઈંચ જેટલો વરસાદ વરસે તેવી આગાહી હવામાન વિભાગે કરી હોવાને કારણે જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાવમાં આવ્યું છે.
ભરૂચ શહેર જિલ્લામાં ગુરૂવારે વહેલી સવારથી જ આકાશમાં ઉતરી આવેલી વાદળોની ફોજે વરસવાનું શરૂ કરી દીધું હતું. દિવસભર કયારેક ઝરમર તો ક્યારેક જોરદાર એમ સતત વરસાદી માહોલ રહવો હતો. થોડા સમય માટે વિરામ લીધાં બાદ પુન: ઝરમરિયા શરુ થઈ જતાં હોવાને કારણે લોકો ભારે અટવાયાં હતાં. ગમેત્યારે અચાનક આકાશમાંથી મેઘવર્ષા શરૂ થઈ જતાં લોકો તુરંત આશરો શોધવા માટે આમતેમ દોડધામ કરતાં હોવાના દ્રશ્યો જોવા મળ્યાં હતાં. બપોર બાદ સાંજના સમયે એકદારો વરસાદી માહોલ રહેવાને કારણે શહેરી જનજીવન પર અસર અનુભવાઈ હતી. શહેરમાં ઠેકઠેકાણે પાણી ભરાવાનો પ્રશ્ન સર્જાયો હતો. શહેરના પાંચબત્તી સર્કલ, સેવાશ્રમ રોડ, લિંકરોડ, કસક ગરનાળા પાસે, કસક સર્કલ નજીક, કલેક્ટર કચેરી પાસે ગરનાળામાં તેમજ અન્ય વિસ્તારોમાં પાણી ભરાર્યાના દ્રશ્યો દેખાયાં હતાં. જેના કારણે કેટલાંક સ્થળે વાહનો ધીમા ચાલવાને કારણે ટ્રાફિકનો પ્રશ્ન પણ સર્જાયો હતો.
પાંચ દિવસમાં ભારે વરસાદ વરસાદથી શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી પાંચ દિવસ આકાશ મોટેભાગે વાદળછાયું રહેવાની સાથે સાથે ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. જિલ્લાભરમાં શુક્રવાર, શનિવાર અને રવિવારના દિવસોમાં અતિભારે એટલે કે અંદાજે ૪થી ૮ ઈંચ જેટલો વરસાદ વરસે તેવી સંભાવનાઓ છે. જિલ્લાનું મહત્તમ તાપમાન ઘટની ૨૯થી ૩૧ ડીગ્રી વચ્ચે રહેશે. જયારે લઘુત્તમ તાપમાન પણ ૨૪-૨૫ ડીગ્રી રહેવાની સંભાવનાઓ છે. સપ્તાહ દરમિયાન પવની ગતિ પણ ૧૯થી ૨૨ કિમી પ્રતિકલાકની આસપાસ રહેશે.
