વાંકલ :: ઉમરપાડા તાલુકામાં દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ સંચાલિત તેજસ આંખહોસ્પિટલ, અમલસાડી-માંડવી દ્વારા સિમેન્સ હેલ્થીનીઅર્સ કંપનીના CSR સહયોગથી અમલમાં મુકાયેલા “ઉમરપાડા અંધત્વ મુક્ત તાલુકા પ્રોજેક્ટ” નો સમાપન સમારોહ તા. ૦૪ જૂન ૨૦૨૬ના રોજ બિરસા મુંડા ભવન, જીના ઉમરપાડા ખાતે ભવ્ય રીતે યોજાયો હતો.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે માનનીય સંસદ સભ્ય પ્રભુભાઈ વસાવા, સુમુલ ડેરીના ડિરેક્ટર રિતેશ વસાવા, સિમેન્સ હેલ્થીનીઅર્સ કંપનીના CSR હેડ મિસ શ્વેતાંજલિ કુમારી, ટીડીઓ તથા મામલતદાર ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે કરવામાં આવી હતી.ત્યારબાદ ડો.ઉદય ગંજીવાલા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું.માધવીબેન દ્વારા સંસ્થાની પ્રવૃત્તિઓ અને સેવાકીય કાર્યો અંગે માહિતી આપવામાં આવી હતી. વિમલભાઈ પ્રજાપતિ દ્વારા સમગ્ર પ્રોજેક્ટનો વિગતવાર અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રોજેક્ટ અંતર્ગત થયેલી કામગીરી, લાભાર્થીઓ અને પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ વિશે માહિતી આપવામાં આવી હતી.
ત્યારબાદ ડો. અભયભાઈ દ્વારા પ્રોજેક્ટના ઈમ્પેક્ટ એસેસમેન્ટ અંગે રજૂઆત કરવામાં આવી હતી અને પ્રોજેક્ટના કારણે ઉમરપાડા તાલુકામાં સર્જાયેલા સકારાત્મક પરિવર્તન વિશે પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
પ્રસંગોપાત પોતાના સંબોધનમાં શ્રી રિતેશ વસાવાએ ગ્રામ્ય વિસ્તારોમાં ગુણવત્તાસભર નેત્રસેવા પહોંચાડવા બદલ ટ્રસ્ટ અને હોસ્પિટલની કામગીરીની પ્રશંસા કરી હતી. મુખ્ય અતિથિ પ્રભુભાઈ વસાવાએ પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં ઉમરપાડા તાલુકાની જનતાને મળેલી આ આરોગ્યસેવાને ઐતિહાસિક ગણાવી હતી અને સમાજના અંતિમ વ્યક્તિ સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવા બદલ દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ અને તેજસ આંખ હોસ્પિટલને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે પ્રોજેક્ટની સફળતા તેમજ નેત્રચિકિત્સાના ક્ષેત્રે ભગીરથ કાર્ય કરવા બદલ ડો. ઉદય ગંજીવાલા અને માધવીબેનનું શાલ ઓઢાડી સન્માન પણ કર્યું હતું.
મિસ શ્વેતાંજલિ કુમારીએ પોતાના સંબોધનમાં સિમેન્સ હેલ્થીનીઅર્સના CSR હેઠળ આરોગ્ય ક્ષેત્રે કરવામાં આવતી પહેલોની માહિતી આપી હતી તથા ઉમરપાડા પ્રોજેક્ટના સફળ અમલીકરણ બદલ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
કાર્યક્રમના અંતે યતીનભાઈ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી અને રાષ્ટ્રગાન સાથે સમારોહનું સમાપન કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અજેન્દ્રસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું.સમારોહ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો તથા સ્થાનિક આગેવાનો દ્વારા પ્રોજેક્ટની કામગીરી અને તેના પરિણામોની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ દ્વારા ઉમરપાડા તાલુકાના હજારો નાગરિકોને નેત્રસેવાનો સીધો લાભ મળ્યો છે અને અંધત્વ નિવારણ ક્ષેત્રે એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ થઈ છે.
ઉમરપાડા અંધત્વ મુક્ત તાલુકા પ્રોજેક્ટનો સમાપન સમારોહ યોજાયો
Advertisement
