ભરૂચ: સર્વ હેપીનેસ ફાઉન્ડેશનના સ્થાપક અને સામાજિક ઉદ્યોગસાહસિક નિતિન ટેલરે પોતાના જન્મદિવસ નિમિત્તે ભરૂચથી Statue of Unity સુધીની આશરે 130 કિલોમીટરની “પેડલ ફોર નેચર” સાયકલ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.
12 થી 15 જૂન દરમિયાન યોજાયેલી આ યાત્રાનો મુખ્ય હેતુ પર્યાવરણ સંરક્ષણ માટે જનજાગૃતિ લાવવાનો, સાયકલિંગને પ્રોત્સાહન આપવાનો, સ્વસ્થ જીવનશૈલીનો પ્રચાર કરવાનો તેમજ યુવાનોમાં રાષ્ટ્ર નિર્માણની ભાવના વિકસાવવાનો હતો.
યાત્રા દરમિયાન ઝઘડિયા, સરદારપુરા અને રાજપીપળા સહિતના વિસ્તારોની વિવિધ શાળાઓ અને કોલેજોમાં આશરે 800 વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને પર્યાવરણ જાગૃતિ, વૃક્ષારોપણ, જળ સંરક્ષણ, પ્લાસ્ટિક મુક્ત જીવનશૈલી અને વ્યસનમુક્ત જીવન અંગે પ્રેરણા આપવામાં આવી હતી.
આ પ્રસંગે વિદ્યાર્થીઓએ પર્યાવરણ સંરક્ષણ, સ્વાસ્થ્ય, સમાજ સેવા, રાષ્ટ્ર નિર્માણ અને મૂલ્યનિષ્ઠ જીવન માટે સંકલ્પ લીધા હતા. તમામ વિદ્યાર્થીઓએ “સ્વસ્થ યુવા, સ્વચ્છ પર્યાવરણ અને ખુશહાલ ભારત”ના નિર્માણ માટે સતત પ્રયત્નશીલ રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી.
નિતીન ટેલરે જણાવ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગ અને વધતા પ્રદૂષણ જેવા પડકારો વચ્ચે પ્રકૃતિની સુરક્ષા માટે દરેક નાગરિકનું યોગદાન અત્યંત જરૂરી છે. તેમણે યુવાનોને સાયકલિંગ, યોગ, વૃક્ષારોપણ અને સમાજ સેવાને પોતાના જીવનનો અભિન્ન ભાગ બનાવવા અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે નિતીન ટેલર છેલ્લા ઘણા વર્ષોથી યુવા વિકાસ, મહિલા સશક્તિકરણ અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે સક્રિય રીતે કાર્યરત છે. તેમના નેતૃત્વ હેઠળ સર્વ હેપીનેસ ફાઉન્ડેશન દ્વારા અનેક સામાજિક અને પર્યાવરણલક્ષી પહેલો હાથ ધરવામાં આવી રહી છે.
