રવિવારે સવારે અંદાજે 8:19 કલાકે સિવિલ રોડ પરથી પસાર થઈ રહેલા હિરેન શાહ અને તેમના મિત્ર તરંગ મહેતાની સતર્કતાના કારણે આગની એક ઘટના મોટું સ્વરૂપ ધારણ કરતી પહેલાં જ કાબૂમાં આવી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, રોડ કિનારે ઊભેલી ખોડિયાર ચાઈનીઝની લારીના ટાયર પાસેથી અચાનક ધુમાડો નીકળતો અને આગ સળગતી બંનેએ જોઈ હતી. પરિસ્થિતિને ગંભીરતાથી લઈને તેમણે કોઈ વિલંબ કર્યા વગર 101 પર ફાયર બ્રિગેડને જાણ કરી હતી. સાથે જ લારી પર લખેલા મોબાઇલ નંબરના આધારે માલિકનો સંપર્ક કરી ઘટનાની માહિતી આપી હતી.
ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સમયસરની સૂચના અને ઝડપી કામગીરીના કારણે આગ વધુ ફેલાતી અટકી હતી તેમજ લારીને મોટા નુકસાનમાંથી બચાવી લેવામાં આવી હતી.
થોડીવારમાં લારીના માલિક પણ સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે હિરેન શાહ, તરંગ મહેતા અને ફાયર બ્રિગેડની ટીમનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તેમની સમયસરની જાગૃતિ અને જવાબદારીના કારણે તેમની રોજીરોટીનું સાધન બચી ગયું છે.
