ભરૂચ :
ભરૂચ શહેરમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદની અસર હવે જૂના બાંધકામો પર પણ જોવા મળી રહી છે. શહેરમાં અલગ-અલગ સ્થળોએ દિવાલ ધરાશાયી થવાની બે ઘટનાઓ સામે આવી છે. જોકે, સદનસીબે બંને બનાવોમાં કોઈ જાનહાનિ કે ઇજા નોંધાઈ નથી.
પ્રથમ ઘટના શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં આવેલા શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે બની હતી. મંદિરના કંપાઉન્ડની અંદાજે 25 ફૂટ લાંબી દિવાલ અચાનક ધરાશાયી થતાં આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો સ્થળ પર એકત્રિત થયા હતા.
જ્યારે બીજી ઘટના શહેરના કોટ વિસ્તારના વ્હોરવાડ વિસ્તારમાં બની હતી, જ્યાં એક મકાનની દિવાલ ભારે વરસાદના કારણે ધરાશાયી થઈ હતી. દિવાલ તૂટી પડતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો, જોકે આ ઘટનામાં પણ કોઈ જાનહાનિ થઈ નહોતી.
બંને બનાવોની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર જવાનોએ જરૂરી તકેદારી સાથે કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી તેમજ આસપાસના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવી વધુ નુકસાન ન થાય તે માટે જરૂરી પગલાં લીધા હતા.
સતત વરસાદને પગલે શહેરના જૂના અને જર્જરિત બાંધકામો માટે જોખમ ઊભું થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા નાગરિકોને જર્જરિત ઈમારતો અને દિવાલોની નજીક બિનજરૂરી અવરજવર ટાળવા તેમજ સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.
