ભરૂચ:
ભરૂચ રેલવે સ્ટેશન પર મુંઝાયેલી હાલતમાં મળી આવેલી ઉત્તર પ્રદેશની સગીરાને રેલવે પોલીસની સી-ટીમે સુરક્ષિત રીતે બચાવી તેના પરિવાર સાથે મેળાપ કરાવ્યો હતો. સગીરાએ રીક્ષા ચાલકે અપહરણ કરી ટ્રેન મારફતે મુંબઈ લઈ જવાનો પ્રયાસ કર્યો હોવાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, ગત તા. 7 સપ્ટેમ્બરે સવારે સાડા નવ વાગ્યાના અરસામાં ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-4 પર એક સગીરા મુંઝાયેલી હાલતમાં બેઠેલી જોવા મળી હતી. તે સમયે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી રેલવે પોલીસની સી-ટીમની નજર સગીરા પર પડતાં શંકા જતા ટીમે તેની પાસે જઈ સાંત્વના આપી પૂછપરછ હાથ ધરી હતી.
પૂછપરછ દરમિયાન સગીરાએ જણાવ્યું હતું કે, તે ઉત્તર પ્રદેશના એક ગામમાં રહે છે અને ગત તા. 5 સપ્ટેમ્બરે શાળાએ જવા ઘરેથી નીકળી હતી. દરમિયાન તે રીક્ષામાં બેઠી હતી. જોકે, રીક્ષા ચાલકે તેને શાળાએ લઈ જવાને બદલે તેનું કથિત અપહરણ કરી લીધું હતું. બાદમાં રીક્ષા ચાલકે તેને મુંબઈ લઈ જવાની વાત કહી ટ્રેનમાં બેસાડી હતી અને મુસાફરી દરમિયાન ધમકાવતો હોવાનો પણ સગીરાએ આક્ષેપ કર્યો હતો.
ભરૂચ રેલવે સ્ટેશન નજીક પહોંચતા સગીરાએ વોશરૂમ જવાનું બહાનું કાઢી ટ્રેનમાંથી ઉતરી પોતાનો બચાવ કર્યો હતો. ત્યારબાદ તે પ્લેટફોર્મ પર બેસી રહી હતી.
સગીરાની કેફિયત સાંભળ્યા બાદ રેલવે પોલીસની સી-ટીમે તેને તાત્કાલિક સખી વન સ્ટોપ સેન્ટર ખાતે પહોંચાડી હતી. અહીં ટીમ દ્વારા તેનું કાઉન્સેલિંગ કરી પરિવારની વિગતો મેળવવામાં આવી હતી. ત્યારબાદ પરિવારનો સંપર્ક કરતાં તેના પિતા ભરૂચ પહોંચ્યા હતા. સખી વન સ્ટોપ સેન્ટરની ટીમે જરૂરી કાર્યવાહી બાદ સગીરાનો તેના પિતા સાથે સુરક્ષિત રીતે મેળાપ કરાવ્યો હતો.
