ભરૂચ:
ભરૂચ શહેરમાં ડ્રગ્સના ગેરકાયદે વેચાણ સામે પોલીસે કાર્યવાહી તેજ કરતાં જૂની સિવિલ કોર્ટ પારસીવાડ વિસ્તારમાંથી એક ડ્રગ્સ પેડલરને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ૯.૬૪ ગ્રામ મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ સહિત કુલ રૂ.૬૦ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ પૂછપરછમાં આરોપીએ ભરૂચના જ સહેજાદ સરફરાજ વેલ્ડિંગવાલા પાસેથી ડ્રગ્સનો જથ્થો ખરીદ્યો હોવાની કેફિયત આપતાં પોલીસે તેને પણ ગુનામાં આરોપી બનાવ્યો છે.
ભરૂચ શહેરના જૂની સોનેરી મહેલ વિસ્તારમાં ઝાલીયા મસ્જીદ પાસે ભોલા શેઠની ગલીમાં રહેતો સાહિલ જાકીર મન્સુરી જૂની સિવિલ કોર્ટ પારસીવાડ વિસ્તારમાં એમડી ડ્રગ્સનું છૂટક વેચાણ કરતો હોવાની બાતમી બી ડિવિઝન પોલીસને મળી હતી. જેના આધારે તા.૨૩ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો.
પોલીસ ટીમે જૂની સિવિલ કોર્ટ નજીકનો વિસ્તાર કોર્ડન કરી તપાસ હાથ ધરતાં બાતમી મુજબનો સાહિલ જાકીર મન્સુરી મળી આવ્યો હતો. પોલીસે તેની તલાશી લેતાં પેન્ટના ડાબા ખિસ્સામાંથી કાળા રંગની પ્લાસ્ટિકની થેલી મળી હતી. તેમાં જીપલોકવાળી નાની થેલીઓ હતી, જેમાંથી ૧૧ થેલીમાં સફેદ-બદામી રંગનો પાવડર અને ૮ થેલી ખાલી મળી આવી હતી.
પોલીસે એફએસએલની ટીમની મદદથી ડ્રગ્સ કીટ મારફતે પ્રાથમિક પરીક્ષણ કરાવતાં પાવડરમાં બેઝિક આલ્કેલોઇડની હાજરી જણાઈ હતી. વધુ તપાસ માટે સેમ્પલ ગાંધીનગર ડીએફએસ ખાતે મોકલવામાં આવ્યું હતું.
દરમિયાન ડીએફએસના રિપોર્ટમાં સફેદ-બદામી પાવડરમાં સિન્થેટિક કેથીનોન વર્ગના મેફેડ્રોન હાઇડ્રોક્લોરાઇડની હાજરી હોવાનું સામે આવ્યું હતું. આ પદાર્થ એમડી ડ્રગ્સ તરીકે ઓળખાય છે. પોલીસે સાહિલની પૂછપરછ કરતાં તેણે છૂટક વેચાણ માટે આ જથ્થો ભરૂચના લાલબજાર, હાજીપીર કીરમાણી વિસ્તારમાં રહેતા સહેજાદ સરફરાજ વેલ્ડિંગવાલા પાસેથી ખરીદ્યો હોવાની કેફિયત આપી હતી.
આ અંગે બી ડિવિઝન પોલીસે બંને આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે ડ્રગ્સનો જથ્થો ક્યાંથી આવ્યો અને નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં તપાસ કરી રહી છે.
