વાંકલ:
SRK નોલેજ ફાઉન્ડેશન, સુરતના ગોવિંદભાઈ ધોળકિયાના પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ સમગ્ર સુરત જિલ્લામાં પરિભ્રમણ કરી રહેલા વિશેષ રથ ‘ગીતારથ’નું વાંકલ ખાતે ઉત્સાહભેર આગમન થયું હતું. આ પવિત્ર રથના આગમનથી સ્થાનિક વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
શ્રી વાંકલ સાર્વજનિક કેળવણી મંડળના વિદ્યાર્થીઓએ ‘ગીતારથ’ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે શાળાના ધોરણ ૯ થી ૧૨ ના આશરે ૩૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ભગવદ્ ગીતા પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી યુવા વયેજ સંસ્કાર અને ધર્મનું સિંચન થઈ શકે. આ ઉપરાંત, નાના બાળકો માટે ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓને વર્ણમાળા પુસ્તકો પણ ભેટ આપવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓમાં વાંચન અને જ્ઞાનવર્ધન પ્રત્યે રૂચિ વધે તે હેતુસર શાળાના પુસ્તકાલયને પણ વિશેષ ધાર્મિક પુસ્તકો અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત સૌએ SRK નોલેજ ફાઉન્ડેશનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
