ભરૂચ: ગુજરાત રાજ્ય વન વિભાગના સામાજિક વનીકરણ વિભાગ, ભરૂચ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત કૃષિ મહાવિદ્યાલય, ભરૂચ ખાતે વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી પ્રદર્શન યોજાયું હતું. પ્રદર્શનનો શુભારંભ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તથા વન વિભાગના અધિકારી ભાવના દેસાઈના હસ્તે કરવામાં આવ્યો હતો.
‘જૈવ વૈવિધ્યનું મહત્વ – Wildlife Today for a Brighter Tomorrow’ થીમ આધારિત આ પ્રદર્શન તા. 8 ઓક્ટોબર સુધી જાહેર જનતા અને વિદ્યાર્થીઓ માટે ખુલ્લું રહેશે. ઉદ્ઘાટન પ્રસંગે વન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપરાંત કૃષિ મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રદર્શનમાં વિવિધ વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફરો દ્વારા કુદરતી વાતાવરણમાં કેદ કરવામાં આવેલી વિવિધ વન્યજીવોની આકર્ષક તસવીરો રજૂ કરવામાં આવી છે. તસવીરોના માધ્યમથી વન્યજીવોની જીવનશૈલી, કુદરતી રહેઠાણ અને જૈવ વૈવિધ્યની સુંદર ઝલક જોવા મળી રહી છે.
આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, વન્યજીવ અને પર્યાવરણ સંરક્ષણ અંગે લોકજાગૃતિ વધારવાના હેતુથી આ પ્રકારના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓ અને સામાન્ય નાગરિકોમાં વન્યજીવો તથા જૈવ વૈવિધ્યના મહત્વ અંગે સમજ કેળવાય તે મુખ્ય ઉદ્દેશ છે.
પ્રદર્શનના માધ્યમથી વન્યજીવોના રક્ષણ અને સંવર્ધન સાથે પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, પ્રકૃતિપ્રેમીઓ અને સ્થાનિક નાગરિકોએ હાજરી આપી હતી.
