ભરૂચ :
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે જન શિક્ષણ સંસ્થાન (જેએસએસ), ભરૂચ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોમાં દેશભક્તિની ભાવના કેળવવા સાથે રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને ભાઈચારાના વિચારોને પ્રોત્સાહન આપવાનો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં જન શિક્ષણ સંસ્થાનના નિયામક ઝયનુલ આબેદીન સૈયદે ઉપસ્થિત તાલીમાર્થીઓને સરદાર વલ્લભભાઈ પટેલના પ્રેરણાદાયી જીવન અને રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાન અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં સરદાર પટેલની ભૂમિકા તેમજ સ્વતંત્રતા બાદ દેશી રજવાડાંઓના વિલીનીકરણ દ્વારા દેશને એકતાના તાંતણે બાંધવામાં આપેલા ઐતિહાસિક યોગદાનને યાદ કર્યું હતું.
આ પ્રસંગે રાષ્ટ્રીય એકતા દિવસના મહત્ત્વ પર પ્રકાશ પાડતાં તેમણે તાલીમાર્થીઓને દેશની એકતા અને અખંડિતતા જાળવવા તેમજ સમાજમાં ભાઈચારો અને પરસ્પર સહકારની ભાવના સાથે આગળ વધવા આહવાન કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન જન શિક્ષણ સંસ્થાન દ્વારા ચલાવવામાં આવતી વિવિધ કૌશલ્યલક્ષી તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં. પ્રમાણપત્રો મેળવી તાલીમાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ તાલીમ દ્વારા યુવાનોને રોજગારીની તકો પ્રાપ્ત કરવા તેમજ સ્વરોજગાર થકી આત્મનિર્ભર બનવા માટે પ્રોત્સાહન મળશે.
સમગ્ર કાર્યક્રમના આયોજન અને વ્યવસ્થામાં જેએસએસનાં ટીમ સભ્યો ક્રિષ્ણાબેન કઠોલીયા, ભૂમિબેન સોની, રૂપલબેન રાણા અને ધ્વનીબેન જાદવે સહયોગ આપ્યો હતો. અંતે હેતલબેન પટેલે ઉપસ્થિત મહેમાનો, તાલીમાર્થીઓ અને સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આમ, દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાના સંદેશ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.
