વાંકલ :
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના સટવાણ ગામના ગમાણ ફળિયામાં પ્રેમસંબંધને લઈ એક દુઃખદ ઘટના સામે આવી છે. યુવતી સાથેના સંબંધોમાં ઊભી થયેલી તણાવભરી પરિસ્થિતિ બાદ 21 વર્ષીય યુવકે આપઘાત કરી લેતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, સટવાણ ગામના ગમાણ ફળિયામાં રહેતા અજયકુમાર તુકારામભાઈ વસાવા (ઉં.વ.21)ને ખોડાંબા ગામના રાજેશભાઈ રાયસિંગભાઈ વસાવાની પુત્રી સાથે પ્રેમસંબંધ હતો. બંને છેલ્લા બે મહિનાથી સાથે રહેતા હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે યુવતીના માતા-પિતા દ્વારા વડીલોની હાજરીમાં વાતચીત અને સમાધાન માટે બેઠક યોજવામાં આવી હતી. જોકે, આ બેઠક દરમિયાન યુવતીએ અજયકુમાર સાથે રહેવાની ના પાડી હતી. ત્યારબાદ વડીલો પરત ફર્યા હતા. યુવતીના આ નિર્ણયથી અજયકુમાર માનસિક રીતે વ્યથિત થયો હોવાનું પ્રાથમિક વિગતોમાં સામે આવ્યું છે.
દરમિયાન ગત તા. 14 નવેમ્બર 2026ના રોજ સવારના અરસામાં સટવાણ ગામના ગમાણ ફળિયાની સીમમાં આવેલા ભિમસિંગભાઈ દાદીયાભાઈ વસાવાના ખેતરમાં અજયકુમાર મૃત હાલતમાં મળી આવ્યો હતો.
બનાવ અંગે મૃતકના પિતા તુકારામભાઈ ધરમસિંગભાઈ વસાવાએ ઉમરપાડા પોલીસને જાણ કરતાં પોલીસે સ્થળ પર પહોંચી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે વધુ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
