ભરૂચના કસક વિસ્તારમાં આવેલા રોકડિયા હનુમાન મંદિર અને પવિત્ર નર્મદા નદી વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી ગટરનું ગંદુ પાણી ખુલ્લામાં વહેવાની સમસ્યા યથાવત્ રહેતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મંદિરની આસપાસ ગંદકી, દુર્ગંધ અને ઝાડી-ઝાંખરાંના કારણે સ્થાનિક રહીશો તેમજ દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ વિસ્તારમાં ગટરનું પાણી ખુલ્લામાં વહેતાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને મેલેરિયા, ડેન્ગ્યુ સહિતના રોગચાળાની ભીતિ પણ ઊભી થઈ છે. સૌથી ગંભીર બાબત એ છે કે ગટરનાં ગંદા પાણીનો પ્રવાહ પવિત્ર નર્મદા નદી તરફ જતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આથી નદીની સ્વચ્છતા અને ધાર્મિક આસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા છે.
આ મુદ્દે પિયુષ પટેલ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ ગટરનાં પાણીનો કાયમી નિકાલ, નર્મદા નદીમાં ગંદુ પાણી ભળતું અટકાવવા, ઝાડી-ઝાંખરાં દૂર કરવા, સફાઈ અભિયાન હાથ ધરવા તેમજ ફોગિંગ અને આરોગ્યલક્ષી કામગીરી કરવાની માગણી કરાઈ છે.
પિયુષ પટેલે આક્ષેપ કર્યો હતો કે વહીવટી તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. માત્ર કાગળ પર કાર્યવાહી કરવાને બદલે સ્થળ પર કામગીરી કરવામાં આવે તેવી માંગ સાથે તેમણે ચીમકી આપી છે કે તાત્કાલિક યોગ્ય પગલાં નહીં લેવાય તો જનતાના આરોગ્ય, ધાર્મિક આસ્થા અને નર્મદાની પવિત્રતાના મુદ્દે લોકશાહી ઢબે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
