ભરૂચ:
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ભરૂચથી વડોદરા તરફ જતા માર્ગ પર પીપળીયા-કારેલા ગામ નજીક વિદેશી દારૂ ભરેલી એક પીકઅપ ગાડી પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતને પગલે દારૂની બોટલો રસ્તા પર વેરવિખેર થઈ ગઈ હતી. બાતમીના આધારે ભરૂચ એલસીબીની ટીમે સ્થળ પર દરોડો પાડી દારૂ અને વાહન મળી કુલ રૂ. 8,43,200નો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, 28 નવેમ્બરે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન એલસીબી ટીમને પીપળીયા-કારેલા ગામ પાસે અકસ્માતગ્રસ્ત પીકઅપ (નં. GJ-27-TG-7967) પડી હોવાની બાતમી મળી હતી. પોલીસે સ્થળ પર તપાસ કરતાં ગાડીમાંથી દારૂના તૂટેલા બોક્સ મળી આવ્યા હતા. ટ્રાફિકને અડચણ ન થાય તે માટે ક્રેનની મદદથી વાહનને ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન લવાયું હતું.
ત્યાં ગણતરી કરતાં રોયલ બ્લ્યુ મોલ્ટ વ્હિસ્કીની 180 મિ.લી.ની કુલ 3,432 બોટલો (617.76 લીટર), જેની કિંમત રૂ. 3,43,200 થાય છે, તે મળી આવી હતી. પોલીસે રૂ. 5 લાખની પીકઅપ સહિત કુલ રૂ. 8.43 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર અજાણ્યા ચાલક સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
