કાઉન્સેલિંગ બાદ પતિએ લખાણ આપી સુખદ સમાધાન, મહિલાને મળ્યો આધાર
ભરૂચ:
ભરૂચ જિલ્લામાં પતિ અને સાસુ દ્વારા થતા માનસિક ત્રાસથી પીડિત એક મહિલાને 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા સમયસર મદદ મળતા રાહત મળી છે.
મળતી માહિતી મુજબ, પીડિત મહિલાએ 181 અભયમ હેલ્પલાઇન પર કોલ કરીને પતિ દ્વારા રોજ ઝઘડા કરી છૂટાછેડા આપવા દબાણ અને ઘર છોડવાની ધમકી આપતા હોવાની ફરિયાદ કરી હતી. માહિતી મળતાં જ ભરૂચ અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને કાઉન્સેલિંગ શરૂ કર્યું હતું.
કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે પીડિતાના પ્રેમલગ્નને પાંચ વર્ષ થયા છે અને તેમને સંતાન નથી. માતા-પિતાના અવસાનને કારણે તેઓ પતિ પર નિર્ભર છે. પીડિતાના જણાવ્યા મુજબ સાસુ તેમના વિશે ખોટી વાતો કરીને પતિને ઉશ્કેરે છે, જેના કારણે ઘરમાં વારંવાર વિવાદ સર્જાતો હતો.
મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે પતિ વારંવાર “ઘર છોડીને જા અથવા હું જ જઈશ” કહી ધમકી આપતા હતા અને સાસુ પણ સતત માનસિક ત્રાસ આપતા હતા. આ પરિસ્થિતિને કારણે પીડિતા આત્મહત્યાના વિચારો સુધી પહોંચી ગઈ હતી.
અભયમ ટીમ દ્વારા મહિલાને સમજાવવામાં આવ્યું કે આત્મહત્યા કોઈ ઉકેલ નથી અને તેમને માનસિક રીતે મજબૂત બનાવવામાં આવી હતી. ત્યારબાદ પતિનું કાઉન્સેલિંગ કરી તેમને પત્ની સાથે સન્માનપૂર્વક વર્તન કરવા, ઘરેલું વિવાદો શાંતિપૂર્ણ રીતે ઉકેલવા તેમજ છૂટાછેડાની ધમકી ન આપવા અંગે કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સમજાવટ બાદ પતિએ પોતાની ભૂલ સ્વીકારી લેખિતમાં બાહેંધરી આપી કે ભવિષ્યમાં પત્નીને કોઈ પ્રકારની ધમકી નહીં આપે અને સન્માનપૂર્વક રાખશે. સાથે જ પત્ની પાસે માફી માંગતા બન્ને વચ્ચે સુખદ સમાધાન થયું હતું.
આ રીતે 181 અભયમ ટીમના સંવેદનશીલ અને ત્વરિત હસ્તક્ષેપથી પીડિત મહિલાને રાહત મળી હતી. મહિલાએ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
