ભરૂચ :
ભરૂચ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ એપ્રિલ-૨૦૨૬ દરમિયાન યોજાનાર છે. આ ચૂંટણીઓ સ્વતંત્ર, નિષ્પક્ષ અને પારદર્શી માહોલમાં યોજાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટર ગૌરાંગ મકવાણા દ્વારા આદર્શ આચારસંહિતા (MCC) ના કડક અમલીકરણ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
રાજ્ય ચૂંટણી આયોગના માર્ગદર્શન મુજબ ચૂંટણી સમયગાળા દરમિયાન અધિકારીઓ અને કર્મચારીઓની બદલી તથા રજા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે સાથે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે અલગથી મદદનીશ નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.
આ અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે કે આચારસંહિતાના ભંગ અંગે કોઈપણ ફરિયાદ પ્રાપ્ત થાય તો તાત્કાલિક તપાસ કરી તેની વિગતવાર રિપોર્ટ જિલ્લા કક્ષાના નોડલ અધિકારીને મોકલે.
ચૂંટણી સંબંધિત ફરિયાદોના નિરાકરણ માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA), ભરૂચના નિયામકશ્રીને જિલ્લા કક્ષાના નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નાગરિકો તેમના મોબાઇલ નંબર 7069606250 પર સંપર્ક કરી શકે છે.
તાલુકા સ્તરે તમામ તાલુકા વિકાસ અધિકારીઓ (TDO) ને મદદનીશ નોડલ અધિકારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે જંબુસર, આમોદ, ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકાઓમાં મુખ્ય અધિકારીઓ (Chief Officers) ને આ જવાબદારી સોંપાઈ છે.
