ભરૂચ
ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાઓનું રવિવારે મતદાન થયું હતું. ચૂંટણી વિભાગ અને સંબંધિત અધિકારીઓ દ્વારા વિવિધ કામગીરીને પૂર્ણ કરતાં મોડી રાત્રે મતદાનનો ફાઈનલ આંકડો સામે આવ્યો હતો. ભરૂચ જિલ્લા પંચાયતનું કુલ ૭૨.૯૭ ટકા મતદાન થયું હતું. જયારે ૯ તાલુકા પંચાયતોનું કુલ ૭૨.૯૨ ટકા મતદાન થયું હતું. આવતીકાલે એટલે કે ૨૮મીએ મત ગણતરી છે. ત્યારે ૯૪૫ ઉમેદવારોનું ઈવીએમમાં સીલ કરેલું ભાવી આજે ખુલશે.
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના આંકડા જોઈએ તો ચાર નગર પાલિકાઓમાં સૌથી વધુ આમોદમાં ૮૧.૨૮ ટકા મતદાન થયું છે. જયારે સૌથી ઓછુ મતદાન ભરૂચમાં ૬૩.૨૧ ટકા નોંધાયું છે. જ્યારે ૯ તાલુકા પંચાયતોમાં સૌથી વધુ નેત્રંગમાં ૮૪.૧૨ ટકા અને સૌથી ઓછુ ભરૂચ તાલુકાનું ૬૩.૩૬ ટકા નોંધાયું છે. છેલ્લી ત્રણ ચૂંટણીમાં ભરૂચ તાલુકામાં જ સૌથી ઓછુ મતદાન થયું છે. જિલ્લા પંચાયતના આંકડા જોઈએ તો વર્ષ ૨૦૧૫માં ૭૦.૯૬ ટકા મતદાન થયું હતું. જે ૨૦૨૧માં ૨.૮૯ ટકા ઘટીને ૬૮.૦૭ ટકાએ પહોંચ્યું હતું. જોકે, આ ચૂંટણીમાં તેમાં પાછો ૪.૯૦ ટકાનો ઉછાળો જોવા મળતાં ૭૨.૯૭ ટકા મતદાન થયું છે.
ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને છેલ્લા ૨૭ દિવસથી ભારે રાજકિય માહોલ ગરમાયો છે. ત્યારે આવતી કાલે એટલે કે ૨૮મી એપ્રિલે મતગણતરી છે ત્યારે સોમવારની રાત એકંદરે ભાજપ સિવાય તમામ પક્ષ માટે કતલની રાત સમાન વિતે તેવી શક્યતાઓ છે. મતગણતરી પહેલાં ઈવીએમની સુરક્ષાને લઈને તમામ પક્ષના લોકો જેતે સ્થળના સ્ટ્રોંગ રૂમ પણ રાત્રી પહેરો ભરી રહ્યાં છે.
મતગણતરીને લઈને ચૂંટણી વિભાગે પણ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. વિહવટી તંત્ર દ્વારા રિસીવિંગ સેન્ટર, ડિસ્પેચિંગ સેન્ટર, સ્ટ્રોંગ રુમ તેમજ મતગણતરીના સ્થળોની યાદી જાહેર કરી છે.જેમાં ભરૂચ જિલ્લાની ૪ નગરપાલીકાઓ માટે કરાયેલાં આયોજન અંગે જણાવાયું છે કે, ભરૂચ નગરપાલિકાની મતગણતરી કે, જે, પોલીટેકિનક કોલેજમાં થશે. જે માટે ૧૫ ટેબલની વ્યવસ્થા કરાઈ છે. અંક્લેશ્વર નગરપાલિકાની મતગણતરી સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલી ટી. એન. શાહ આદર્શ સ્કૂલ ખાતે થશે. જયારે આમોદ નગરપાલિકાની મત ગણતરી આમોદ મમલતદાર કચેરીના પ્રથમ માળે યોજાશે. તે જ રીતે જંબુસર નગરપાલિકાની મતગણતરકી જંબુસર પાંચ કચેરીના પ્રથમ માળે કરવામાં આવશે.
