ભરૂચ જિલ્લામાં આગામી દિવસોમાં હીટ વેવની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ઉનાળાની કાળઝાળ ગરમીને કારણે લોકો તેમજ પશુ-પક્ષીઓ માટે જોખમ વધતું હોવાથી યોગ્ય તકેદારી રાખવી જરૂરી બની છે.
લૂથી બચવા માટે શું કરવું
ગરમીના દિવસોમાં તરસ ન લાગી હોય તોય પૂરતું પાણી પીતા રહેવું જરૂરી છે. શરીરમાં પ્રવાહીની માત્રા જળવાઈ રહે તે માટે ઓ.આર.એસ દ્રાવણ, છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ અને નાળિયેર પાણી જેવા પીણાંનો ઉપયોગ કરવો.
હળવા અને સુતરાઉ કપડાં પહેરવા તેમજ બહાર નીકળતી વખતે માથું કપડું, ટોપી કે છત્રીથી ઢાંકી રાખવું. આંખોના રક્ષણ માટે સનગ્લાસીસ અને ત્વચા માટે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો.
બાળકો, વૃદ્ધો, બીમાર અને વધુ વજન ધરાવતા લોકો લૂના વધુ ભોગ બને તેવી સંભાવના હોવાથી તેમની વિશેષ કાળજી લેવી જરૂરી છે.

કામદારો માટે ખાસ સૂચનાઓ
કાર્યસ્થળે ઠંડા પીવાના પાણી, છાશ, ઓ.આર.એસ અને પ્રાથમિક સારવારની વ્યવસ્થા કરવી. સીધા તડકામાં કામ ટાળવું અને ભારે કામ દિવસના ઠંડા સમયે કરવું.
ગરમીમાં કામ કરવાની ટેવ ન હોય એવા કામદારોને હળવું કામ આપવું તેમજ સગર્ભા સ્ત્રીઓ અને નબળા કામદારો પર વિશેષ ધ્યાન આપવું.

ઘરને ઠંડુ રાખવા માટે
ઘરની દીવાલોને સફેદ રંગ કરવો, ક્રોસ વેન્ટિલેશન રાખવું અને છત પર સૂકા ઘાસ કે કૂલ રૂફ ટેકનોલોજીનો ઉપયોગ કરવો. બારીઓ પર સૂર્યપ્રકાશ અટકાવવા માટે પડદા અથવા સનશેડ લગાવવું.
લૂ લાગ્યાની સ્થિતિમાં શું કરવું
લૂ લાગેલી વ્યક્તિને ઠંડક આપવી, ભીના કપડાંથી શરીર પોંછવું અને ઓ.આર.એસ અથવા લીંબુ પાણી પીવડાવવું. સ્થિતિ ગંભીર હોય તો તરત નજીકના આરોગ્ય કેન્દ્ર પર લઈ જવું અથવા એમ્બ્યુલન્સ બોલાવવી.

શું ન કરવું
બપોરના સમયે પશુઓને ચરવા ન લઈ જવા તેમજ તડકામાં અનાવશ્યક બહાર નીકળવાનું ટાળવું.
આ માર્ગદર્શિકા દ્વારા આરોગ્ય વિભાગે નાગરિકોને અનુરોધ કર્યો છે કે ગરમી દરમિયાન જરૂરી સાવચેતી રાખીને પોતાનું અને આસપાસના લોકોનું સ્વાસ્થ્ય સુરક્ષિત રાખે.
