ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDC વિસ્તારમાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં 23 એપ્રિલના રોજ લાગેલી આગની ગંભીર ઘટનામાં 2 કામદારોના મોત નિપજ્યા હતા, જ્યારે 13 અન્ય કામદારો ઈજાગ્રસ્ત થઈ સારવાર હેઠળ છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને ચિંતા ફેલાવી છે.
ઘટના બાદ પીડિત પરિવારોને વળતર મળવાની માંગ સાથે વિરોધ ચાલી રહ્યો હતો. આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવા પીડિતો અને અન્ય લોકો સાથે કંપની પરિસરમાં પહોંચ્યા હતા.
વિરોધ દરમિયાન એક મૃતકના કથિત સંબંધી દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવતા વાતાવરણ તંગ બન્યું હતું. પરિસ્થિતિ વણસતા ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુસ્સામાં આવી તે વ્યક્તિને લાફો ઝીંક્યો હતો. જેના જવાબમાં વિરોધ કરનાર વ્યક્તિએ પણ ધારાસભ્ય પર લાફા, લાકડી અને જૂતા વડે હુમલો કર્યો હતો. બંને તરફથી અપશબ્દોનો પણ મારો ચાલી ગયો હતો.
આ સમગ્ર ઘટના પોલીસ ઈન્સ્પેક્ટર (PI)ની હાજરીમાં બની હતી, જેના કારણે ઘટનાએ વધુ ગંભીર વળાંક લીધો હતો. અથડામણ બાદ કંપની પરિસરમાં તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું અને મામલો વધુ ઉગ્ર બન્યો હતો.
આ ઘટનાએ ઔદ્યોગિક સલામતી અને ઘટનાપછીની વ્યવસ્થા અંગે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. પોલીસે મામલો કાબૂમાં લેવા અને સ્થિતિ શાંત કરવા પગલાં લીધા હોવાનું જાણવા મળે છે.
