ભરૂચ :
ભરૂચ તાલુકાના નવા તવરા ગામમાં રહેતી એક વૃદ્ધાના બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરોએ રૂ.1.76 લાખથી વધુની ચોરી આચરતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. તસ્કરોએ ઘરના ગ્રીલ તથા મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ નવા તવરા ગામના કોટરો ફળિયામાં પિયુષ કોટીંગ પાસે રહેતા લખીબેન પરસોત્તમભાઈ માધવભાઈ પટેલ (ઉ.વ.65) મજૂરી કામ કરી જીવન નિર્વાહ કરે છે. તેમના પતિનું વર્ષ 2002માં બિમારીના કારણે અવસાન થયું હતું અને તેઓ હાલમાં એકલા રહે છે.
ગઈ તા.27 મે 2026ના રોજ સવારે લખીબેન પોતાના ઘરનું તાળું મારી તેમના નાના ભાઈના ઘરે શુકલતીર્થ ગામે ગયા હતા. દરમિયાન આજે સવારે તેમની દીકરી જમનબેનનો ફોન આવ્યો હતો કે પડોશમાં રહેતા ભાનુબેનએ જાણ કરી છે કે તેમના ઘરના ગ્રીલ અને મુખ્ય દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં છે.
જે બાદ લખીબેન તાત્કાલિક તવરા ગામે પોતાના ઘરે પહોંચતા ઘરના ગ્રીલના દરવાજાનો નકુચો કાપેલો તેમજ મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું. ઘરમાં પ્રવેશ કરતા અંદરનો સામાન વેરવિખેર હાલતમાં પડેલો હતો. લોખંડના કબાટની તપાસ કરતા તેમાં રાખેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ ચોરી થઈ ગયાનું માલુમ પડ્યું હતું.
ચોરી થયેલા મુદ્દામાલમાં 22 કેરેટ સોનાની બુટ્ટીની જોડી કિંમત રૂ.70 હજાર, ચાંદીની ઝાંઝરી કિંમત રૂ.71,250 તથા રોકડા રૂ.35 હજાર મળી કુલ રૂ.1,76,250ની મત્તાનો સમાવેશ થાય છે.
બનાવ અંગે લખીબેને અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ તેમજ અન્ય ટેક્નિકલ પુરાવાઓના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
