Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં શ્વાનના મોઢામાં નવજાત બાળકનો મૃતદેહ મળવાના કિસ્સામાં પોલીસ માતા સહિત ત્રણ મહિલાઓ સુધી પહોંચી : દફનવિધિના બદલે મૃતદેહ થેલીમાં ભરી ફેંકી દેવાયો હોવાનો ખુલાસો, ડીએનએ તપાસ શરૂ

Share

 

 

Advertisement

ભરૂચ શહેરમાં શુક્રવારના રોજ માનવતાને શરમમાં મૂકી દે તેવી કરુણ અને હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી હતી. શહેરના રોટરી ક્લબ પાછળ આવેલા મારવાડી ટેકરા ચોક વિસ્તારમાં તાજું જન્મેલા નવજાત બાળકનો ત્યજી દેવાયેલો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે તાત્કાલિક ગુનો નોંધી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી, જેમાં માતા સહિત ત્રણ મહિલાઓ સુધી પોલીસ પહોંચી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, ધોળીકુઈ બજાર રાવળીયાવાડ ટેકરા વિસ્તારમાં રહેતા એક વેપારીએ મારવાડી ટેકરા ચોક પાસે એક શ્વાનને તેના મોઢામાં કોઈ વસ્તુ લઈને જતા જોયો હતો. શંકા જતાં વેપારીએ શ્વાનને ભગાડ્યો હતો. નજીક જઈ જોતા શ્વાનના મોઢામાં તાજું જન્મેલું નવજાત બાળક હોવાનું સામે આવતા લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

બનાવની જાણ થતાં એ-ડિવિઝન પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને નવજાત બાળકના મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ શરૂ કરી હતી. સમગ્ર મામલો પોલીસ માટે પડકારજનક બન્યો હતો, કારણ કે મૃત બાળકની ઓળખ અને ઘટનાની હકીકત સુધી પહોંચવું સહેલું ન હતું.

એ-ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આર.એમ. વસાવાના માર્ગદર્શન હેઠળ સ્ટેશન ચોકીના પીએસઆઈ એન.વી. પાટીલ સહિતની ટીમે આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા તેમજ શહેરની વિવિધ હોસ્પિટલોમાં તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન એક હોસ્પિટલમાં તાજેતરમાં થયેલી પ્રસુતિ અંગે માહિતી મળતાં પોલીસે ત્યાં તપાસ શરૂ કરી હતી. શરૂઆતમાં હોસ્પિટલ તરફથી સ્પષ્ટ માહિતી આપવામાં આવી ન હતી, પરંતુ કડક પૂછપરછ બાદ વાગરા તાલુકાના દહેજ વિસ્તારની એક મહિલાની પ્રસુતિ થઈ હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે મહિલાને શોધી પૂછપરછ કરતાં તેણીએ મૃત બાળક પોતાનું હોવાનું સ્વીકાર્યું હતું. મહિલાએ જણાવ્યું હતું કે, પરિવારજન અથવા અન્ય કોઈ વ્યક્તિ ઉપલબ્ધ ન હોવાથી હોસ્પિટલમાં ફરજ બજાવતી સફાઈ કર્મચારી મીનાબેન સોલંકી અને ગંગાબેન સોલંકીને બાળકની દફનવિધિ માટે રૂ. 4 હજાર તેમજ રિક્ષા ભાડા પેટે રૂ. 200 આપ્યા હતા.

પોલીસ તપાસમાં વધુ ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, દફનવિધિ કરવાના બદલે સફાઈ કર્મચારીઓએ મૃતદેહને પ્લાસ્ટિકની થેલીમાં ભરી કચરાના સ્થળે ફેંકી દીધો હતો. ત્યારબાદ તે થેલી એક શ્વાન મોઢામાં લઈને ફરતો જોવા મળતાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો.

હાલમાં પોલીસે માતા અને બંને સફાઈ કર્મચારીઓને નોટિસ પાઠવી છે. ઉપરાંત બાળક અને માતાના ડીએનએ નમૂનાઓ વૈજ્ઞાનિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું છે.


Share

Related posts

પાલેજ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી આંકડાનો જુગાર ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી. પોલીસ.

ProudOfGujarat

વડોદરાનાં ગણેશપુરામાં 10 થી 12 લોકોને બચકાં ભરનાર કપિરાજ પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો

ProudOfGujarat

વાગરાનાં અલાદર નજીકથી અજાણી યુવતીનો વિકૃત હાલતમાં મૃતદેહ મળ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!