Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાલીયામાં જમીન અને માટીના પુરાણના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, લાકડીના મારથી યુવકને ફ્રેક્ચર થયાનો આક્ષેપ

Share

 

વાલીયા તાલુકાના પેટીયા ગામના ચૌધરી ફળિયામાં કૌટુંબિક સંબંધીઓ વચ્ચે જમીન, જુના મકાનના લાકડા અને માટીના પુરાણને લઈને થયેલો વિવાદ મારામારી સુધી પહોંચ્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ઘટનામાં એક યુવકને હાથમાં ફ્રેક્ચર તેમજ તેના પિતાને ઇજાઓ પહોંચી હોવાનું ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.

Advertisement

ફરિયાદી મહેન્દ્રભાઈ બાલુભાઈ મગનભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ તેઓ પોતાના જૂના મકાનને તોડી નવા મકાનનું બાંધકામ કરી રહ્યા છે. બાંધકામ દરમિયાન જૂના મકાનના લાકડા તથા અન્ય સામાન પોતાના વાડામાં રાખવામાં આવ્યો હતો તેમજ મકાનના પુરાણ અને સેટિંગના કામ માટે માટી પણ નાખવામાં આવી હતી.

ફરિયાદ મુજબ 9 જૂનના રોજ સાંજે તેમના કૌટુંબિક સંબંધીઓ વિનયભાઈ નટુભાઈ ચૌધરીએ વાડામાં રાખેલા લાકડા અને માટીના પુરાણ અંગે વાંધો ઉઠાવ્યો હતો. આ દરમિયાન બંને પક્ષ વચ્ચે બોલાચાલી થતાં મામલો ઉગ્ર બન્યો હતો. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે વિનયભાઈએ મહેન્દ્રભાઈના પિતા બાલુભાઈ સાથે ઝપાઝપી કરી મારામારી શરૂ કરી હતી.

આ દરમિયાન વિનયભાઈના પુત્ર સૌરવભાઈ લાકડી લઈને આવી પહોંચ્યા હતા અને તેમણે મહેન્દ્રભાઈ તેમજ તેમના પિતા પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. લાકડીના ફટકાથી મહેન્દ્રભાઈના ડાબા હાથમાં ગંભીર ઇજા પહોંચી હતી. બાદમાં સારવાર દરમિયાન હાથમાં ફ્રેક્ચર હોવાનું જાણવા મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે. ઉપરાંત તેમના પિતા બાલુભાઈને પણ માથા અને હાથના ભાગે ઇજાઓ પહોંચી હોવાનું જણાવાયું છે.

બુમાબુમ થતાં પરિવારજનો અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બંનેને વધુ મારમાંથી છોડાવ્યા હતા. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોપીઓએ જતાં જતાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ઇજાગ્રસ્તોને પ્રથમ વાલીયા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ મહેન્દ્રભાઈને વધુ સારવાર માટે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં હાથમાં ફ્રેક્ચર હોવાનું જણાવાયું હતું.

આ સમગ્ર મામલે મહેન્દ્રભાઈ ચૌધરીએ વાલીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.


Share

Related posts

અમદાવાદના નરોડા ફ્રૂટ માર્કેટમાં ટામેટાની આડમાં સંતાડેલી દારૂની 570 બોટલ પકડાઈ.

ProudOfGujarat

બે મહિના બાદ ભરૂચ નગરપાલિકામાં સમિતિઓની રચના, સામાન્ય સભા બની રાજકીય અખાડો :  અનુભવી સભ્યોને સ્થાન નહીં મળ્યાનો આંતરિક અસંતોષ, વિપક્ષે ઉઠાવ્યા રખડતા પશુઓ અને ગ્રાન્ટ ખર્ચના મુદ્દા

ProudOfGujarat

ખેડા જિલ્લાના ઠાસરા પંથકમાં મૂળિયાદ અને હરીપુરા ગામની સીમમાં વીજ વાયરોની ચોરી થતાં ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!