અમલેશ્વર બ્રાન્ચ કેનાલની મરામત પૂર્ણ : ભરૂચ શહેરમાં આજથી બે ટાઈમ પાણી પુરવઠો મળશે : શહેરીજનોને બે દિવસ સુધી ડહોળું પાણી આવવાની શક્યતાને લઈ તકેદારી રાખવા તાકીદ
। ભરૂચ ।
સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા અમલેશ્વર બાન્ય કેનાલની મરામતની કામગીરી હાથ ધરવામાં આવતાં ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરને મળતો પાણી પુરવઠો ઘટાડીને એક સમયનો કરી દીધો હતો. જોકે, હવે ૨૫ દિવસની કામગીરી બાદ કેનાલમાં પુનઃ પાણીની આવક શરૂ થતાં ૨૦મી જૂનથી શહેરમાં હવે બન્ને ટાઈમ પાણી મળી રહેશે તેમ નગરપાલિકાના સત્તાધિશોએ જણાવ્યું છે.
ભરૂચ શહેરના નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યાં છે. સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા છેલ્લા ૨૫ દિવસથી અમલેશ્વર બાન્ચ કેનલની મરામતની કામગીરી હાથ ધરવામાં આવી રહી હોવાને કારણે ભરૂચ નગર પાલિકા દ્વારા શહેરમાં માત્ર એક ટાઈમ પાણી આપવામાં આવી રહ્યું હતું. જોકે, સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા અમલેશ્વર બાન્ચ કેનાલનું રિપરીંગ કરી દેવામાં આવતાં હવે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે.જેના પગલે ભરૂચ નગરપાલિકાને પુરતાં પ્રમાણમાં પાણી પુરવઠો મળતાં પાલિકાએ શહેરમાં બન્ને સમય પાણી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ૨૦ જૂનથી શહેરના તમામ વિસ્તારમાં બે સમય પાણી પુરવઠો આપવામાં આવશે તેવી જાહેરાત નગરપાલિકાએ કરી છે. જોકે, તેની સાથે સાથે પાલિકાના અધિકારીઓએ શહેરીજનોને ખાસ સુચના આપી છે કે, છેલ્લાં ૨૫ દિવસથી કેનાલનું રિપેરિંગ ચાલી રહ્યું હોવાને કારણે હવે બે દિવસ શહેરમાં મળનાર પાણી બે દિવસ સુધી ડહોળું તેમજ કાદવ મિશ્રિત આવે તેવી શક્યતાઓ છે. જેના પગલે પાલિકાએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી પાણીનો ઉપયોગ કરતાં તેને પહેલાં ગાળી લેવા તેમજ ઉકાળીને પિવા માટે ઉપયોગમાં લે તે જરૂરી છે.
