ભરૂચ:
ભરૂચ જિલ્લામાં હાલની પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર કાર્યરત બન્યું છે. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ આપત્તિ વ્યવસ્થાપન, ફાયર બ્રિગેડ સહિત તમામ સંબંધિત વિભાગોને જાહેર સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી તાત્કાલિક કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે.
ચોમાસા દરમિયાન સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને રસ્તાઓ પર પડેલા વૃક્ષો અને ડાળીઓને વિલંબ વિના દૂર કરી વાહનવ્યવહાર પૂર્વવત્ કરવાનો તેમજ જોખમી બોર્ડ, હોર્ડિંગ્સ, સાઇનબોર્ડ અને અન્ય અસુરક્ષિત માળખાઓની તપાસ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ કામગીરીના ભાગરૂપે બુધવારે ભરૂચ શહેરના નીલકંઠ નગર, સંતોષી વસાહત તેમજ જિલ્લા કલેક્ટર કચેરી નજીક પવન અને વરસાદના કારણે વૃક્ષો ધરાશાયી થયાં હતાં. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી પડેલા વૃક્ષોને દૂર કરી દીધાં હતાં.
ફાયર ટીમની ઝડપી કામગીરીને કારણે બ્લોક થયેલા માર્ગો થોડા જ સમયમાં વાહનવ્યવહાર માટે ફરીથી ખુલ્લા કરી દેવામાં આવ્યા હતા. સદનસીબે બંને બનાવોમાં કોઈ જાનહાનિ, ઈજા કે મિલકતને મોટું નુકસાન થયું નથી.
જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોને વરસાદી માહોલ દરમિયાન સાવચેતી રાખવા, જરૂરિયાત સિવાય બહાર ન નીકળવા તેમજ કોઈપણ આપત્તિજનક સ્થિતિ સર્જાય તો તાત્કાલિક સંબંધિત વિભાગને જાણ કરવા અપીલ કરી છે.
