ગુજરાતમાં ચોમાસું હવે પૂરજોશમાં જામ્યું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના સત્તાવાર અહેવાલ મુજબ સોમવાર સવારે 10 વાગ્યા સુધી રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ 247.34 મી.મી. એટલે કે 9.73 ઇંચ વરસાદ નોંધાયો છે, જે સામાન્ય વરસાદના 27.21 ટકા જેટલો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 30 જિલ્લાના 111 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો, જેમાં દક્ષિણ ગુજરાત સૌથી વધુ પ્રભાવિત રહ્યું છે.
રાજ્યના કુલ 259 તાલુકાઓમાંથી 24 તાલુકામાં 2 ઇંચ સુધી, 81 તાલુકામાં 2થી 5 ઇંચ, 83 તાલુકામાં 5થી 10 ઇંચ, 40 તાલુકામાં 10થી 20 ઇંચ અને 29 તાલુકામાં 20થી 40 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. જ્યારે 7 તાલુકાઓમાં 40 ઇંચથી વધુ વરસાદ નોંધાતા ચોમાસાની તીવ્રતા સ્પષ્ટ જોવા મળી રહી છે.
દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ, જલાલપોર ટોચ પર
છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લાના જલાલપોરમાં 5.75 ઇંચ નોંધાયો હતો. ઉપરાંત નવસારીમાં 4.80 ઇંચ, વલસાડના પારડીમાં 3.82 ઇંચ, સુરતના પલસાણામાં 3.07 ઇંચ અને નવસારીના ચીખલીમાં 2.48 ઇંચ વરસાદ નોંધાયો હતો. આજે સવારે માત્ર ચાર કલાકમાં જ જલાલપોરમાં 2.64 ઇંચ, નવસારીમાં 2.32 ઇંચ, ગણદેવીમાં 2.13 ઇંચ, મહુવા (સુરત)માં 1.77 ઇંચ અને ચીખલીમાં 1.65 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
પ્રાદેશિક વરસાદની સ્થિતિ પર નજર કરીએ તો દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં 610.63 મી.મી. (24.04 ઇંચ) વરસાદ નોંધાયો છે, જે સરેરાશના 39.60 ટકા જેટલો છે. સૌરાષ્ટ્રમાં 225.31 મી.મી. (8.87 ઇંચ), પૂર્વ-મધ્ય ગુજરાતમાં 155.79 મી.મી. (6.13 ઇંચ), ઉત્તર ગુજરાતમાં 106.04 મી.મી. (4.17 ઇંચ) અને કચ્છમાં 17.10 મી.મી. (0.67 ઇંચ) વરસાદ નોંધાયો છે.
સરદાર સરોવર સહિત જળાશયોમાં પાણીની આવક વધી
ભારે વરસાદને પગલે રાજ્યના જળાશયોમાં પાણીની સારી આવક થઈ રહી છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 67.65 ટકા જળસંગ્રહ નોંધાયો છે. ડેમમાં 18,077 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે 622 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
રાજ્યના કુલ 206 ડેમમાં સરેરાશ 40.83 ટકા જળસંગ્રહ નોંધાયો છે. તેમાંથી 6 ડેમ સંપૂર્ણ (100 ટકા) ભરાઈ ગયા છે, જ્યારે 21 ડેમમાં 70થી 100 ટકા અને અન્ય 21 ડેમમાં 50થી 70 ટકા પાણીનો સંગ્રહ થયો છે.
12 ડેમ પર હાઈ એલર્ટ, અનેક ડેમ વોર્નિંગ હેઠળ
અમરેલી જિલ્લાના ધાતરવડી અને સુરજવાડી, ભાવનગર જિલ્લાના રોજકી અને શેત્રુંજી, સુરેન્દ્રનગર જિલ્લાના વાંસલ તેમજ તાપી જિલ્લાના દોસવાડા ડેમ સંપૂર્ણ ભરાતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત રંગહોળા, વણાકબોરી, ખોડિયાર, રાયડી, ધાતરવડી-2 અને ધોળીધજા સહિતના ડેમોમાં પણ પાણીનું સ્તર ખૂબ ઊંચું પહોંચતા તંત્રને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
રાજકોટના લાલપરી, વેણુ-2 અને આજી-2, જુનાગઢના બાંટવા-ખારડી અને પોરબંદરના શરણ ડેમ હાલ વોર્નિંગ હેઠળ રાખવામાં આવ્યા છે.
8,324 લોકોનું સ્થળાંતર, NDRF-SDRFની ટીમો તૈનાત
ભારે વરસાદ અને પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યમાં અત્યાર સુધીમાં 8,324 લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યા છે, જ્યારે 3,711 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સૌથી વધુ સુરત જિલ્લામાંથી 4,683 લોકોનું સ્થળાંતર અને 3,416 લોકોનું રેસ્ક્યુ કરાયું છે.
રાજ્યભરમાં બચાવ કામગીરી માટે NDRFની 11 ટીમો અને SDRFની 24 પ્લાટૂન તૈનાત કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 21થી 23 જુલાઈ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે.
27 રસ્તા બંધ, વીજ પુરવઠો પૂર્વવત્
ભારે વરસાદના કારણે રાજ્યમાં 27 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. જોકે GSRTC મુજબ રાજ્યમાં બસ સેવા નિયમિત રીતે ચાલુ છે. વીજ વિભાગે વરસાદથી પ્રભાવિત તમામ ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરી દીધો છે, જ્યારે કેટલાક વીજ ફીડર, થાંભલા અને ટ્રાન્સફોર્મરની મરામત કામગીરી હજુ ચાલુ છે.
ખરીફ પાકનું વાવેતર 39.72 લાખ હેક્ટર પાર
કૃષિ વિભાગના અહેવાલ મુજબ ચાલુ ચોમાસામાં રાજ્યમાં 39,72,905 હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર પૂર્ણ થયું છે. જેમાં ડાંગર, મગફળી અને કપાસના પાકનું સૌથી વધુ વાવેતર નોંધાયું છે. રાજ્યનું વહીવટી તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન તંત્ર આગામી વરસાદને પહોંચી વળવા સંપૂર્ણ સજ્જ હોવાનું તંત્રએ જણાવ્યું છે.
