Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

181 અભયમ્ ટીમના સમયસર હસ્તક્ષેપથી ગર્ભવતી મહિલાને માનસિક ત્રાસમાંથી રાહત  :  સસરાના ત્રાસથી કંટાળેલી મહિલાને કાઉન્સેલિંગ અને કાયદાકીય માર્ગદર્શનથી મળ્યો ન્યાય; લેખિત બાંહેધરી સાથે પરિવારિક વિવાદનો ઉકેલ

Share

 

પ્રતિનિધી :

Advertisement

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં રહેતી આઠ મહિનાની ગર્ભવતી મહિલાને સસરા દ્વારા થતા સતત માનસિક અને શારીરિક ત્રાસમાંથી 181 અભયમ્ મહિલા હેલ્પલાઇનની સમયસરની કામગીરીથી રાહત મળી છે. રાજપીપળા અભયમ્ ટીમે સ્થળ પર પહોંચી સંવેદનશીલ કાઉન્સેલિંગ, કાયદાકીય માર્ગદર્શન અને બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવી પરિવારિક વિવાદનો સફળ ઉકેલ લાવ્યો હતો.

માહિતી મુજબ, ગરુડેશ્વર તાલુકાની એક ગર્ભવતી મહિલાએ પોતાના સસરા દ્વારા સતત અપશબ્દો, ધાક-ધમકી અને મારપીટ કરવામાં આવતી હોવાની ફરિયાદ સાથે 181 અભયમ્ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. કોલ મળતાની સાથે જ રાજપીપળા અભયમ્ રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મહિલાની સુરક્ષા સુનિશ્ચિત કરી સમગ્ર મામલે કાઉન્સેલિંગની પ્રક્રિયા શરૂ કરી હતી.

પ્રાથમિક કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ જણાવ્યું હતું કે તે આઠ મહિનાની ગર્ભવતી છે અને તેને એક પુત્રી પણ છે. પરિવાર ખેતી મજૂરી કરીને જીવન નિર્વાહ કરે છે. પતિ રોજગાર માટે બહાર રહેતા હોવાથી તેમની ગેરહાજરીમાં સસરા અવારનવાર નશાની હાલતમાં ઘરે આવી અપશબ્દો બોલતા, ઝઘડો કરતા, ધાક-ધમકી આપતા તેમજ શારીરિક હિંસા કરતા હતા. નવા મકાનના નિર્માણને લઈને પણ વારંવાર વિવાદ ઉભો થતો હતો. ઘટનાના દિવસે જમવાનું યોગ્ય ન બનાવ્યાનો આક્ષેપ કરી મહિલાને મારપીટ કરવામાં આવી હોવાનું પણ કાઉન્સેલિંગ દરમિયાન સામે આવ્યું હતું.

181 અભયમ્ ટીમે માત્ર ફરિયાદના આધારે કાર્યવાહી પૂરતી મર્યાદિત રાખી ન હતી, પરંતુ બંને પક્ષોનું અલગ-અલગ અને સંયુક્ત રીતે વિસ્તૃત કાઉન્સેલિંગ કર્યું હતું. પરિવારિક સંબંધોનું મહત્વ, પરસ્પર સન્માન, જવાબદારીઓ અને ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન મહિલાની સુરક્ષા અને માનસિક સ્વાસ્થ્ય જાળવવાની આવશ્યકતા અંગે બંને પક્ષોને સમજાવવામાં આવ્યા હતા.

કાઉન્સેલિંગ દરમિયાન સસરાએ સ્વીકાર્યું હતું કે નશાની હાલતમાં તેમના દ્વારા અયોગ્ય વર્તન થઈ જતું હતું. અભયમ્ ટીમે તેમને આવા વર્તનના કાનૂની તેમજ સામાજિક પરિણામોથી અવગત કરાવ્યા હતા અને ભવિષ્યમાં જવાબદારીપૂર્વક વર્તવાની સમજ આપી હતી.

ત્યારબાદ ટીમ દ્વારા બંને પક્ષોને ઘરેલુ હિંસાથી મહિલાઓનું સંરક્ષણ અધિનિયમ સહિત મહિલાઓના કાનૂની અધિકારો અને પરિવારિક જવાબદારીઓ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સતત કાઉન્સેલિંગના પરિણામે સસરાએ પોતાની ભૂલ સ્વીકારી મહિલાની માફી માંગી હતી અને ભવિષ્યમાં કોઈપણ પ્રકારની માનસિક કે શારીરિક હેરાનગતિ નહીં કરે તેવી લેખિત બાંહેધરી આપી હતી. બંને પક્ષોની સંમતિથી લેખિત સમાધાન કરાવવામાં આવતા મહિલાને માનસિક રાહત મળી હતી.

181 અભયમ્ મહિલા હેલ્પલાઇન દ્વારા સમયસર કરવામાં આવેલા હસ્તક્ષેપ અને સંવેદનશીલ કામગીરીને કારણે એક ગર્ભવતી મહિલાને સુરક્ષા અને ન્યાય મળ્યો હોવાની ઘટના સમાજ માટે પણ પ્રેરણારૂપ બની છે.


Share

Related posts

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે રેઇડ કરતા 6 જુગારીઓની મુદ્દામાલ સાથે ધરપકડ કરી.

ProudOfGujarat

ગોધરા : જીવદયાધામ પરવડી ખાતે વરસાદી પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી.

ProudOfGujarat

પાલેજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાપ્તાહિક આરોગ્ય મેળો યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!