ભરૂચ: વાલિયા તાલુકામાં તાજેતરમાં વરસેલા મુશળધાર વરસાદ અને કિમ નદીમાં આવેલા પૂરે અનેક પરિવારોનું જનજીવન અસ્તવ્યસ્ત બનાવી દીધું છે. ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરી, અનાજ અને રોજિંદા ઉપયોગની ચીજવસ્તુઓને ભારે નુકસાન પહોંચતાં અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. આવી વિકટ પરિસ્થિતિમાં ભરૂચની સેવાયજ્ઞ સમિતિ માનવતાની મિસાલ બની આગળ આવી છે.
સમિતિ દ્વારા સમાજના દાતાઓના સહયોગથી જીવનજરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ ધરાવતી રાહત કીટ તૈયાર કરવામાં આવી છે. આ કીટનું ટૂંક સમયમાં ડહેલી, સોડગામ, દેસાડ સહિતના પૂરગ્રસ્ત ગામોના અસરગ્રસ્ત પરિવારોમાં વિતરણ કરવામાં આવશે, જેથી મુશ્કેલીના સમયમાં તેમને તાત્કાલિક રાહત મળી શકે.
સેવાયજ્ઞ સમિતિના આ સેવાકીય અભિયાનનો મુખ્ય હેતુ આપત્તિગ્રસ્ત પરિવારો સુધી સમયસર જરૂરી સહાય પહોંચાડવાનો છે. સંચાલકોના જણાવ્યા મુજબ, સમાજના દાતાઓના સહયોગથી તૈયાર કરાયેલી રાહત કીટો જરૂરિયાતમંદ પરિવારો સુધી પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે પહોંચાડવામાં આવશે.
સમિતિએ જણાવ્યું હતું કે, આપત્તિના સમયમાં સમાજના સહકાર અને સંવેદનાથી જ અસરગ્રસ્ત પરિવારોને સાચો આધાર મળી શકે છે. ભવિષ્યમાં પણ જરૂરિયાતમંદોની સેવા માટે આવા માનવતાલક્ષી અભિયાનો સતત ચાલુ રાખવાનો સંકલ્પ સેવાયજ્ઞ સમિતિએ વ્યક્ત કર્યો છે.
