Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગાંધીનગરમાં ભરૂચના 8 રમતવીરોનું ગૌરવપૂર્ણ સન્માન : પિસ્તોલ-શૉટગન, રાઇફલ શૂટિંગ, તાઈક્વોન્ડો, કરાટે, કબડ્ડી અને ચેસમાં ખેલાડીઓએ જિલ્લાનું નામ રોશન કર્યું

Share

 

ભરૂચ :
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રાજ્યના પ્રતિભાશાળી રમતવીરોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સમારોહમાં રાજ્યના કુલ 799 રમતવીરોને એકલવ્ય એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ અને જયદીપસિંહજી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Advertisement

આ ગૌરવપૂર્ણ સમારોહમાં નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભરૂચ જિલ્લાના વિવિધ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 8 રમતવીરોને પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

પિસ્ટલ/શૉટગન શૂટિંગમાં ચુડાસમા વંદનાબા રાજેન્દ્રસિંહને જયદીપસિંહજી સિનિયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે રાઇફલ શૂટિંગમાં ખુશી ચુડાસમા અને ધનવીર રાઠોડને જયદીપસિંહજી જુનિયર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

તાઈક્વોન્ડોમાં યાજ્ઞિક ભાગ્યલક્ષ્મી તુષાર અને યાજ્ઞિક તપસ્વિની તુષારને જયદીપસિંહજી સિનિયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કરાટેમાં મકવાણા ધ્વનિ કલ્પેશને જયદીપસિંહજી જુનિયર એવોર્ડ તેમજ સરદાર પટેલ જુનિયર એવોર્ડ મળ્યો હતો.

તે જ રીતે કબડ્ડીમાં ભીલ અનિશભાઈ જામળીયાભાઈને જયદીપસિંહજી જુનિયર એવોર્ડ અને ચેસમાં વરસાડા વેદાંત રૂપેશભાઈને જયદીપસિંહજી જુનિયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ભરૂચ રાઇફલ શૂટિંગ એકેડેમીના ચેરમેન તથા વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરૂણસિંહ રણાના સહયોગ અને કોચ મિત્તલબેનના માર્ગદર્શનની પણ રમતવીરોની સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. ઉપરાંત, ભરૂચ જિલ્લાના રમતગમત અધિકારી રાજનસિંહ ગોહિલ દ્વારા જિલ્લાના રમતવીરોને સતત પ્રોત્સાહન અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

રાઇફલ શૂટિંગ, પિસ્ટલ/શૉટગન શૂટિંગ, તાઈક્વોન્ડો, કરાટે, કબડ્ડી અને ચેસ જેવી વિવિધ રમતોમાં ભરૂચના આ પ્રતિભાશાળી ખેલાડીઓએ રાજ્યસ્તરે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. આ સન્માનથી સમગ્ર ભરૂચ જિલ્લામાં ગૌરવની લાગણી પ્રસરી છે.

રમતવીરોની આ સિદ્ધિ અન્ય યુવા ખેલાડીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે. પરિવારજનો, કોચ, રમતગમત સંસ્થાઓ અને રમતપ્રેમીઓ દ્વારા તમામ એવોર્ડ વિજેતા ખેલાડીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.


Share

Related posts

શહેરા પંથકના ખેતતલાવડી કૌભાડનો આરોપી જે.કે.વણકર ઝડપાયો

ProudOfGujarat

નડીયાદ પાસે ઉભેલી આઇસરને ટ્રકે ટક્કર મારતાં 2 ના મોત.

ProudOfGujarat

ભરૂચમાં કષ્ટભંજન દાદાના આમંત્રણ રથનું જિલ્લા ભાજપ દ્વારા સ્વાગત કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!