કામરેજ પોલીસ સ્ટેશનની હદમાં ઉંબેલ ગામની સીમમાં હાઇવે પરથી ટ્રકમાંથી સિમેન્ટની થેલીઓ ચોરી કરવાના નેટવર્કનો સુરત ગ્રામ્ય LCB અને પેટ્રોલ ફોલો સ્ક્વોડે પર્દાફાશ કર્યો છે. પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી ટ્રક, ટેમ્પો, સિમેન્ટની થેલીઓ, મોબાઇલ અને રોકડ સહિત કુલ રૂ.15.65 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસને બાતમી મળી હતી કે સત્તુ મારવાડી ઉર્ફે સત્તુરહે. વરેલી નામનો શખ્સ પોતાના સાગરીતો સાથે મળી હાઇવે પરથી સિમેન્ટની થેલીઓ ભરીને પસાર થતા ટ્રકના ડ્રાઇવરો સાથે મેળાપીપણું કરી સિમેન્ટની થેલીઓ ચોરી કરાવતો હતો. આ બાતમીના આધારે LCBની ટીમે ઉંબેલ ગામની સીમમાં હરિપુરા પાટિયા નજીકથી હરિપુરા ગામ તરફ જતા માર્ગ પર વોચ ગોઠવી હતી.
દરોડા દરમિયાન ટાટા ટ્રકના ચાલક હરિયારામ ચંદ્રીકા યાદવ અને અશોક લેલેન ટેમ્પોના ચાલક અભિનંદન કુમાર સૈનીને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે સિમેન્ટની ચોરી કરાવી તેનો જથ્થો વેચાણ કરાવતું નેટવર્ક ચલાવનાર સત્યનારાયણ શર્મા ઉર્ફે સત્તુરહે. વરેલીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
પોલીસે આરોપીઓ પાસેથી રૂ.10 લાખની ટ્રક, રૂ.3 લાખનો ટેમ્પો, 50 કિલોની 800 સિમેન્ટની થેલીઓ, બે મોબાઇલ ફોન અને રૂ.5,290 રોકડ સહિત કુલ રૂ.15,65,290નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ મામલે કામરેજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 305(C), 316(3), 317(2), 317(5) અને 61(2)(એ) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીઓ તથા મુદ્દામાલને કામરેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
