દહેજ:
શ્રાવણ માસના પ્રથમ સોમવાર અને નાગપંચમીના પાવન પર્વ નિમિત્તે દહેજમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. દહેજમાં રહેતા કિશોરસિંહ રણાના નિવાસસ્થાનેથી શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર સુધી નાગદેવતાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
શોભાયાત્રામાં પરમ પૂજ્ય જગુદાસ બાપુ (અંજેશરવાળા) સહિત મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા. ભક્તોએ ભજન-કીર્તન અને ભગવાન શિવના જયઘોષ સાથે નાગદેવતાની શોભાયાત્રામાં ભાગ લીધો હતો. સમગ્ર માર્ગ દરમિયાન ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું.
શોભાયાત્રા શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચ્યા બાદ નાગદેવતાની પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ ઉપરાંત ભગવાન શિવને અર્પણ કરવા માટે રુદ્રાક્ષની માળાઓ તેમજ જલાભિષેક માટે ગળતી અર્પણ કરવામાં આવી હતી. ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભગવાન નીલકંઠેશ્વર મહાદેવના દર્શન કરી જલાભિષેક કર્યો હતો.
ત્યારબાદ શિવભક્તો દ્વારા શ્રી મખનેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ નાગદેવતાની પૂજા કરવામાં આવી હતી. નાગપંચમીના પવિત્ર દિવસે બંને મહાદેવ મંદિરોમાં ધાર્મિક વિધિ અને પૂજનનો લાભ લઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
કાર્યક્રમના અંતે શિવભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. શ્રાવણના પ્રથમ સોમવાર અને નાગપંચમીના સંયોગે યોજાયેલી આ ધાર્મિક શોભાયાત્રાથી દહેજમાં સમગ્ર દિવસ દરમિયાન ભક્તિમય માહોલ છવાયેલો રહ્યો હતો.
