ભરૂચ: વિવિધ માંગણીઓને લઈને ભરૂચ, આમોદ, જંબુસર અને વાગરા તાલુકાના ખેડૂતો આજે ટ્રેક્ટર રેલી સાથે રસ્તા પર ઉતર્યા હતા. મોટી સંખ્યામાં ટ્રેક્ટરો સાથે ખેડૂતો કલેક્ટર કચેરી તરફ કૂચ કરતાં ભરૂચમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. ખેડૂતોના શક્તિપ્રદર્શનને પગલે પોલીસ તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું હતું.
સવારે 11:15 કલાકે દયાદરા ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટરો સાથે એકત્ર થયા હતા. ત્યારબાદ ટ્રેક્ટર રેલી સ્વરૂપે ખેડૂતો કલેક્ટરને પોતાની વિવિધ માંગણીઓ અંગે રજૂઆત કરવા માટે આગળ વધ્યા હતા. રેલીમાં ખેડૂતો વિવિધ બેનરો સાથે જોડાયા હતા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
ખેડૂતો દ્વારા “ખેડૂતો ઉપર દમન બંધ કરો”, “જોર જુલમ કી ટક્કર મેં સંઘર્ષ હમારા હૈ” અને “ખેડૂત વિરોધી કાયદા હટાવો” જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ખેડૂતોનું કહેવું હતું કે પોલીસની રોકટોક કે દમનથી તેમનો અવાજ દબાવી શકાય નહીં અને પોતાની માંગણીઓ માટે તેઓ અંત સુધી સંઘર્ષ કરશે.
ખેડૂતોની રેલીને પગલે પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ડી.વાય.એસ.પી. સહિત અનેક પોલીસ ઇન્સ્પેક્ટર અને મોટો પોલીસ કાફલો વિવિધ સ્થળોએ તૈનાત કરવામાં આવ્યો હતો. પોલીસે ખેડૂતોની રેલીને નિયંત્રિત કરવા માટે કેટલાક સ્થળોએ બેરિકેડિંગ પણ કર્યું હતું.
બેરિકેડિંગ દરમિયાન પોલીસ અને ખેડૂતો આમને-સામને આવી જતાં વાતાવરણ વધુ ગરમાયું હતું. જોકે ખેડૂતો પોતાની માંગણીઓ મુદ્દે મક્કમ રહ્યા હતા અને કલેક્ટર કચેરી તરફ આગળ વધવાનો પ્રયાસ ચાલુ રાખ્યો હતો.
ખેડૂતોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી કે તેમની માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રાખવામાં આવશે. ટ્રેક્ટર રેલીના પગલે શહેરના માર્ગો પર ભારે ચહલપહલ અને પોલીસ બંદોબસ્તનો માહોલ જોવા મળ્યો હતો.
