રાજપીપળા:
ચેક રિટર્ન કેસમાં રાજપીપળાની મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની અદાલતે આરોપીને દોષિત ઠેરવી કડક સજા ફટકારી છે. C.C. No.2250/2025ના કેસમાં આરોપી દક્ષેશકુમાર ફુલજીભાઈ દેસાઈને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ, 1881ની કલમ 138 હેઠળ દોષિત ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા કરવામાં આવી છે.
ફરિયાદી સ્નેહલબેન મનોજકુમાર અગ્રવાલ તરફથી રજૂ થયેલા કેસમાં ચેક, બેંક રિટર્ન મેમો, કાનૂની નોટિસ, ગીરો કરાર સહિતના દસ્તાવેજી તથા મૌખિક પુરાવા અદાલત સમક્ષ રજૂ કરાયા હતા. ફરિયાદી પક્ષે કલમ 118 અને 139 હેઠળની વૈધાનિક ધારણાઓ તથા ઉચ્ચ અદાલતોના પ્રસ્થાપિત સિદ્ધાંતોના આધારે આરોપીનો બચાવ ખંડિત કર્યો હતો.
આરોપીએ ચેક ‘સિક્યુરિટી ચેક’ હોવાનો બચાવ કર્યો હતો, પરંતુ અદાલતે આ બચાવ વિશ્વસનીય રીતે સાબિત થયો ન હોવાનું નોંધ્યું હતું.
મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ શ્રી F.A. Sindhiએ આરોપીને રૂ.4.50 લાખ વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે. રકમ નહીં ચૂકવે તો વધુ 6 માસની સાદી કેદ ભોગવવી પડશે. ચુકાદા સમયે આરોપી હાજર ન હોવાથી તેની સામે ધરપકડ વોરંટ પણ ઇસ્યુ કરાયું છે. ફરિયાદી તરફથી એડવોકેટ જિતેન્દ્રસિંહ જે. ગોહિલે રજૂઆત કરી હતી.
