ભરૂચ :
ભરૂચ શહેરમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ ઈન્ટરલોક તોડી અંદર પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી રૂ.1.86 લાખથી વધુની મત્તા ચોરી જતા ચકચાર મચી હતી. બનાવ અંગે એ ડિવિઝન પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ભરૂચ શહેરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ અપનાનગર સોસાયટી પાસે આવેલી જલારામધામ સોસાયટીમાં વિજય તુરજારામ પ્રજાપતિ પરિવાર સાથે રહે છે અને દહેજની કંપનીમાં નોકરી કરે છે. ગત તા.14 સપ્ટેમ્બરના રોજ તેમની પત્ની પુત્રને લઈને જંબુસર ખાતે પિયરે ગઈ હતી. દરમિયાન તા.16 સપ્ટેમ્બરના રોજ વિજય પ્રજાપતિની નાઈટ શિફ્ટ હોવાથી રાત્રિના આશરે સવા નવ વાગ્યે મકાનને ઈન્ટરલોક તેમજ દરવાજાની ચીલને તાળું મારી નોકરી પર દહેજ જવા નીકળી ગયા હતા.
ત્યારબાદ તા.17 સપ્ટેમ્બરના રોજ સવારે સાડા આઠ વાગ્યાના અરસામાં તેઓ ઘરે પરત ફર્યા ત્યારે ગ્રીલનો નકુચો તેમજ મુખ્ય દરવાજાનો ઈન્ટરલોક તૂટેલી હાલતમાં જોવા મળ્યો હતો. ઘરમાં પ્રવેશ કરી તપાસ કરતાં રસોડામાં મુકેલી લોખંડની તિજોરીનો દરવાજો પણ ખુલ્લો હતો અને અંદરનો સામાન વેરવિખેર પડેલો હતો.
તિજોરીમાં તપાસ કરતાં લોકરમાં મુકેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ ગાયબ જણાઈ હતી. તપાસ દરમિયાન આશરે રૂ.1.47 લાખની કિંમતના 14 ગ્રામ સોનાના દાગીના, રૂ.27 હજારની કિંમતના 187 ગ્રામ ચાંદીના સાંકળા તથા રૂ.12 હજાર રોકડા, મળી કુલ રૂ.1.86 લાખથી વધુની મત્તા ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું.
બનાવ અંગે વિજય પ્રજાપતિએ ઓનલાઈન અરજી કર્યા બાદ એ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી તસ્કરોની શોધખોળ સહિત વધુ તપાસ હાથ ધરી છે.
