ભરૂચ :
ઝાડેશ્વર રોડ પર મધુરમ પાર્ટી પ્લોટ પાસે આવેલા બેંક ઓફ બરોડાના એટીએમમાં કાર્ડ ફસાઈ જતા મદદના બહાને બે ગઠિયાઓએ કાર્ડ બદલી ખાતામાંથી રૂ.૭૪ હજારથી વધુની રકમ ઉપાડી લેતા ચકચાર મચી હતી. બનાવ અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઝાડેશ્વરની મારૂતી દર્શન સોસાયટીમાં રહેતા મહાવીરસિંહ રઘુવીરસિંહ વાંસિયા ગત તા.૨૬ સપ્ટેમ્બરના રોજ સવારે રૂપિયા ઉપાડવા માટે મધુરમ પાર્ટી પ્લોટ સામેના BOB એટીએમમાં ગયા હતા. બે મશીન પૈકી એક બંધ હોવાથી તેમણે બીજા મશીનમાંથી રૂપિયા ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન એટીએમ કાર્ડ મશીનમાં ફસાઈ ગયું હતું.
કાર્ડ કાઢવાના પ્રયાસ દરમિયાન પાછળ ઊભેલા બે અજાણ્યા શખ્સોએ મદદ કરવાની વાત કરી હતી. આ દરમિયાન બંનેએ તેમનું કાર્ડ બદલી નાખ્યું હતું. ત્યારબાદ વાંસિયા અન્ય એટીએમમાં ગયા ત્યારે કાર્ડ બ્લોક બતાવતું હતું. તેમણે બીજા કાર્ડથી રૂપિયા ઉપાડ્યા બાદ મોબાઈલમાં મેસેજ તપાસતાં ખાતામાંથી રૂ.૨૦ હજારના ત્રણ, રૂ.૧૦ હજારના એક અને રૂ.૪ હજારના એક મળી કુલ પાંચ ટ્રાન્ઝેક્શનથી રૂ.૭૪ હજાર ઉપડી ગયા હોવાનું જણાયું હતું. તપાસ કરતાં કાર્ડ પણ પોતાનું ન હોવાનું માલૂમ પડ્યું હતું.
