Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મહેસૂલી કર્મચારીઓના પડતર પ્રશ્નો મુદ્દે આંદોલનનું બ્યુગલ: માસ સીએલ અને અનિશ્ચિત મુદતની હડતાળની ચીમકી

Share

વાંકલ :
સરકારી મહેસૂલી કર્મચારીઓની લાંબા સમયથી ચાલી આવતી વિવિધ પડતર માગણીઓનો યોગ્ય ઉકેલ ન આવતા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેના ભાગરૂપે માંડવી પ્રાંત કચેરી સહિત માંગરોળ, ઉમરપાડા, માંડવી અને અરેઠ તાલુકાના આશરે ૬૦ થી ૭૦ જેટલા વર્ગ-૩ના કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. જેમાં એકાએક સામૂહિક ‘માસ સીએલ’ (Mass CL) પર ઉતરી જઈને વહીવટી તંત્રને હચમચાવી દીધું છે, જેમાં માંગરોળ તાલુકાના ૬ નાયબ મામલતદાર, ૧ કલાર્ક અને ૭ રેવન્યુ તલાટીઓ પણ સક્રિયપણે જોડાયા છે.

આંદોલનના પ્રારંભિક તબક્કામાં કર્મચારીઓએ હાથ પર કાળી પટ્ટી ધારણ કરીને પોતાનો શાંત વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે જ વહીવટી સંકલન જાળવવા માટે બનાવવામાં આવેલાં ઓફિશિયલ વોટ્સએપ ગ્રુપોમાંથી પણ લેફ્ટ થઈ જવાની ચીમકી આપવામાં આવી છે. કર્મચારી સંઘ દ્વારા સ્પષ્ટ જાહેરાત કરવામાં આવી છે કે તા. ૫મીએ માસ સીએલ પર ઉતર્યા બાદ પણ જો સરકાર કે વહીવટી તંત્ર દ્વારા માગણીઓ નહીં સંતોષવામાં આવે, તો તા. ૬ઠ્ઠીથી અનિશ્ચિત મુદતની હડતાળ પર જવામાં આવશે.

Advertisement
કર્મચારીઓની મુખ્ય અને પડતર માગણીઓ:

બદલી અને પરત નિમણૂંક: વર્ષ ૨૦૨૩ અને ૨૦૨૬માં અપાયેલી બઢતી બાદ મૂળ જિલ્લામાં જગ્યા ઉપલબ્ધ હોય તે મુજબ કર્મચારીઓની પરત બદલીથી નિમણૂંક કરવી.

ઓનલાઈન જિલ્લા ફેરબદલી: જિલ્લા ફેરબદલી માટે પ્રવર્તમાન NOC પ્રથા બંધ કરી ઓનલાઈન પોર્ટલ મારફતે સંપૂર્ણ પારદર્શિકતાથી બદલી થાય તેવી કાયમી વ્યવસ્થા ઊભી કરવી.

સીધી ભરતી અટકાવવા માંગ: બઢતીના હક પર તરાપ વાગતી હોવાથી નાયબ મામલતદાર અને મામલતદાર સંવર્ગની સીધી ભરતીની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે બંધ કરવી.

અન્યાયી બદલીઓ રદ્દ કરવી: કામગીરીના ફીડબેકના આધારે કરાયેલી બે કર્મચારીઓની બદલી તુરંત મોકૂફ રાખવી અને ભવિષ્યમાં આ પ્રકારે બદલી નહીં કરાય તેવી લેખિત બાંહેધરી આપવી.

સીનિયરિટી યાદી અને પરીક્ષા: ક્લાર્ક અને મહેસૂલી તલાટી સંવર્ગની લાંબા સમયથી અટવાયેલી સીનિયરિટી યાદી તાત્કાલિક જાહેર કરવી તેમજ બાકી રહેલી તમામ ખાતાકીય પરીક્ષાઓનું આયોજન કરી પરિણામો જાહેર કરવા.

ભથ્થામાં વધારો: સર્કલ ઓફિસર, નાયબ મામલતદાર (પુરવઠા અને મ.ભ.યો.) તથા પુરવઠા નિરીક્ષક માટે PTA ભથ્થું ₹૩,૧૦૦ અને મહેસૂલી તલાટીઓ માટે ₹૩,૦૦૦ નિશ્ચિત કરવું.

અલાયદું મહેકમ અને કામનું ભારણ: જનસેવા કેન્દ્રની કામગીરી સુચારૂ રૂપે ચાલે તે માટે અલગ મહેકમ મંજૂર કરવું. તેમજ ઈ-ધરા, ડિજિટલ ગુજરાત, જનસેવા કેન્દ્ર અને ઓટીપી આધારિત કામગીરીના લીધે વધતા અતિશય કામના ભારણમાં જરૂરી સુધારા કરી કર્મચારીઓને રાહત આપવી.

મહેસૂલી કર્મચારીઓની આ હડતાળના કારણે ગ્રામ્ય અને તાલુકા કક્ષાની સરકારી કામગીરી ઉપર માઠી અસર પડવાની પૂરેપૂરી સંભાવના છે.


Share

Related posts

પુરીમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનો પ્રારંભ, દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ પહોંચ્યા

ProudOfGujarat

વડોદરામાં ઈન્ડિયા બોર્ડ પ્રેસિડન્ટ ઈલેવન અને વેસ્ટઈન્ડિઝ ટીમે પ્રેકટિસ શરૂ કરી..

ProudOfGujarat

માંગરોળની નાની નરોલી ગ્રામ પંચાયતની ગ્રામસભા ગૌચરમાં માટી ખનન મુદ્દે તોફાની બનતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!