ભરૂચ : ભરૂચના GNFC ટાઉનશીપમાં દીપડો દેખાયો હોવાની માહિતી સામે આવતાં રહેવાસીઓમાં ફફડાટ ફેલાયો છે. ટાઉનશીપની સ્ટ્રીટ નં. 24, 9 અને 14 નજીક દીપડો જોવા મળ્યાની જાણ થતાં GNFCની સિક્યુરિટી ટીમ એલર્ટ થઈ છે અને વન વિભાગને પણ જાણ કરવામાં આવી છે. રહેવાસીઓને બિનજરૂરી બહાર ન નીકળવા અને દીપડો દેખાય તો તેની નજીક ન જવા અપીલ કરાઈ છે.
ટાઉનશીપમાં સવારે અનેક લોકો જોગિંગ માટે નીકળે છે. ઉપરાંત બાળકો માટે ગાર્ડન અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ હોવાથી દીપડાની હાજરીને પગલે સુરક્ષાને લઈને ચિંતા વધી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ભરૂચ શહેર અને આસપાસના વિસ્તારોમાં દીપડાની અવરજવર વધી હોવાનું સામે આવ્યું છે. અગાઉ નર્મદા નદી કિનારે બહુચરાજીના ઓવારે, કંથારિયા ગામે તેમજ ભોલાવ GIDC વિસ્તારમાં દીપડો દેખાયો હોવાની ઘટનાઓ બની હતી. ભોલાવ GIDCમાં બે વખત દીપડો દેખાયો હોવાની માહિતી પણ સામે આવી હતી.
બીજી તરફ ઝનોર, શુક્લતીર્થ અને તવરા સહિતનાં ગામોમાં પણ લાંબા સમયથી દીપડાની અવરજવર જોવા મળી રહી છે. ભરૂચ શહેરની માનવવસ્તી ભોલાવ, ઝાડેશ્વર, મક્તમપુર અને તવરા તરફ વિસ્તરી રહી છે. ત્યારે રહેણાક વિસ્તારોમાં દીપડાની હાજરીને પગલે માનવ-વન્યજીવ સંઘર્ષની આશંકા વધી છે. હવે વન વિભાગ દ્વારા દીપડાની હિલચાલ પર નજર રાખી સાવચેતીનાં પગલાં ભરવામાં આવે તેવી માંગ ઊઠી રહી છે.
